- આરોપી અજયે સગીરાને વિસનગર, અંબાજી, રાજસ્થાન જેવા જુદા-જુદા સ્થળોએ લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
વડોદરાના સાવલી પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે. આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, તારીખ 13-7-2024ના રોજ જરોદ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીરાની માતાએ દીકરીની જિંદગી બગાડનાર આરોપી અજય જયંતીભાઇ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દોઢ વર્ષ પૂર્વે આરોપી અજય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આરોપી અજય સગીરાને વિસનગર, અંબાજી, રાજસ્થાન જેવા જુદા-જુદા સ્થળોએ લઇ ગયો હતો. વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં જરોદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો.
આ કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમા ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી આરોપી અજય જયંતીભાઇ ભાલીયા (મૂળ રહે. જરોદ તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા)ને 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો અને આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા તેમજ વિકટીમ કોમ્પન્સેસન સ્કીમ મુજબ રૂપિયા 4,00,000નું વળતર પીડિતાને ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરી છે.