વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છેનો કોલ કરનાર આરોપી સુરત હાઇવે પરથી ઝડપાયો

આરોપીએ પાકિસ્તાનના ISIના એજન્ટ તરીકે ઓળખ આપી વલસાડ સીટી કંટ્રોલને જાણ કરી હતી

MailVadodara.com - The-accused-who-called-that-a-bomb-blast-is-going-to-happen-in-Vadodara-railway-station-was-caught-from-Surat-highway

- મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરતમાં મજૂરી કામ કરી ઓવરબ્રિજ નચી ફૂટપાથ પર રહેતાં શ્રમજીવી શ્યામજી યાદવની રેલવે એલસીબી પોલીસે ધરપકડ કરી

- પૂછપરછ દરમિયાન આરોપીએ નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત કરી


હું ISI એજન્ટ પાકિસ્તાનથી બોલુ છું, વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, તેવો મેસેજ કરીને તેવી ધમકી આપી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફને અડધી રાત્રે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતાં શ્રમજીવી યુવાનની રેલવે એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે, નશાની હાલતમાં તેને ફોન કર્યો હતો. તે કોઈ પણ પ્રકારનો બોમ્બ બ્લાસ્ટ કરવાનો નહોતો.

વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૂમમાં એક શખ્સે ફોન કરી વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, હું આઇએસઆઇ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું, તેવી ગર્ભિત ધમકી ઉચ્ચારતાં વલસાડ રેલવે પોલીસ દ્વારા આ મેસેજ વડોદરા રેલવે પોલીસ કંટ્રોલને અપાયા બાદ મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો દ્વારા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે વ્યાપક તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું.


પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે રેલવે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત-નવસારી હાઇવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો  હતો. તેની પાસે કીપેડનો સાદો ફોન હતો. જે તપાસ કરતાં મોબાઇલના કોલલોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૂમનો નંબર જણાયો હતો. રેલવે એલસીબી પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ (રહે.પાંડસરાનાકા પર, ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર, સુરત અને મૂળ અશાપુર, તા.મણીયાહુ, થાના રામપુર, જિલ્લો જોનપુર, ઉત્તર પ્રદેશ) જાણવા મળ્યું હતું.


તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે. રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. જો કે તે કોઇ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહી તેમજ અગાઉ કોઇ ગુનામાં તે સંડોવાયો છે કે નહી તે અંગેની વધુ વિગતો જાણવા માટે રેલવે એલસીબી પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.

Share :

Leave a Comments