પાદરામાં રહેતા શ્રમજીવી દપતિ પાસેથી લીધેલા ત્રણ હજાર પરત કરવા ન પડે તે માટે આરોપીએ હત્યા કરી

પાદરા પોલીસ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની ટીમોએ ડબલ મર્ડરનો પર્દાફાશ કર્યો

MailVadodara.com - The-accused-committed-the-murder-in-order-not-to-have-to-return-the-three-thousand-taken-from-a-laboring-couple-living-in-Padra

- હત્યારો અરવિંદ ચૌહાણ મૃતક દંપતિના ઝૂંપડા પાસે કેનાલની સામેના ભાગે જ રહેતો હતો, રાત્રે દપતિ સૂઇ ગયા બાદ આરોપીએ ખૂલી ખેલ ખેલ્યો હતો

- વ્યાજે લીધેલા 3 હજાર રૂપિયાની અવાર-નવાર ઉઘરાણીથી ત્રાસી જતા આરોપીએ દંપતિને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું


પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે પતરાંનું છાપરું બનાવી રહેતા અને કચરો ભેગો કરી વેચીને પેટીયું રડતા આધેડ દંપતિની 12 દિવસ પહેલાં હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. આ ચકચારી ડબલ મર્ડરનો જિલ્લા પોલીસે ભેદ ઉકેલી નાંખી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ વ્યાજે રૂપિયા 3 હજાર લીધા હતા. અવાર-નવાર ઉઘરાણીથી ત્રાસી જતા આરોપીએ દંપતિને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

પાદરા તાલુકાના ગણપતપુરા પાસેથી પસાર થતી કેનાલના કિનારે ઝૂંપડું બાંધી રહેતા રમણ ફતેસિંહ સોલંકી (ઉં.વ.55) પત્ની ધનીબહેન ઉર્ફે ગગીબહેન સોલંકી (ઉં.વ. 53) રહેતા હતા. તેઓ કચરો-ભંગાર ભેગો કરી તે વેચીને પેટીયું રળતા હતા. મોડી રાત્રે કોઇ અજાણ્યા હત્યારાઓએ ઝૂંપડાની બહાર સૂઇ રહેલા સોલંકી દંપતિ ઉપર ધારીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધું હતું. બંનેની લાશને હત્યારાઓએ લોહીથી લથપથ ગોદડીમાં લપેટીને કેનાલમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જિલ્લા પોલીસની સંયુક્ત ટીમોએ દંપિતની હત્યા કરનાર આરોપી ફેતપુરા જાસપુરના રહેવાસી અરવિંદ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, મહેનતકશ રમણભાઇ સોલંકીએ બે માસ પહેલાં ફેતપુરા જાસપુર ગામના રહેવાસી અરવિંદ ચૌહાણને 10 ટકાના વ્યાજે રૂપિયા 3 હજાર આપ્યા હતા. જે રકમ અરવિંદ ચૌહાણ પરત કરતો ન હતો. આથી અવાર-નવાર રમણભાઇ સોલંકી ઉઘરાણી કરતા હતા. ઉપરાંત હત્યાના દિવસે બપોરના સમયે રમણભાઇ સોલંકી અને આરોપી અરવિંદ ચૌહાણ ભેગા થઇ ગયા હતા. તે સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને રમણભાઇ સોલંકીએ પોતાના કચરો વિણવા માટે રાખતા ટેમ્પોમાંથી લાકડાનો ડંડો કાઢીને તેનાથી આરોપી અરવિંદ ચૌહાણને માર માર્યો હતો. ઉપરાંત દીકરી, પત્નીને અપશબ્દો બોલ્યો હતો. જે આરોપી અરવિંદ ચૌહાણથી સહન ન થતા તેજ રાત્રે દંપિતનું કાસળ કાઢી નાંખ્યું હતું.

પી.આઇ. એલ.બી. તડવીએ વધુમાં જણાવ્યું હતું કે, હત્યારો અરવિંદ ચૌહાણ પણ મોતને ઘાટ ઉતારાયેલા દંપતિના ઝૂંપડા પાસે કેનાલની સામેના ભાગેજ રહેતો હતો. આથી તા.14 સપ્ટેમ્બરની મોડી રાત્રે અરવિંદ ચૌહાણ સોલંકી દંપતિના ઝૂંપડા પાસે પહોંચી ગયો હતો. દંપતિ સૂઇ ગયા ત્યાં સુધી નજીકમાં બેસી રહ્યો હતો. અને રાત્રે 12 વાગ્યા બાદ દંપતિ સૂઇ ગયા બાદ અરવિંદ ચૌહાણે ખૂની ખેલ ખેલ્યો હતો. પહેલાં રમણભાઇ સોલંકીની છાતીમાં મોટો પથ્થર માર્યો હતો. તે બાદ તેઓના જ ધારીયાથી ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન પત્ની ધનીબહેન ઉર્ફ ગગીબહેન ઉઠી જતાં તેના માથામાં પણ ધારીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.


પાદરા પી.આઇ. એલ.બી. તડવીએ વધુમાં જણાવ્યું હતું કે, ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના અનુસાર જિલ્લા પોલીસ તંત્રના 2 DYSPના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. કૃણાલ પટેલ સહિત 4 પી.આઇ., 10 પી.એસ.આઇ. સહિત 60 પોલીસ જવાનો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જિલ્લા પોલીસ માટે આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવો પડકારરૂપ હતો, પરંતુ ટીમ વર્કથી આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે.

ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે પોલીસે 150 જેટલા સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરી હતી, પરંતુ પોલીસને તેમાંથી પણ કોઇ કડી મળતી ન હતી. આ ઉપરાંત પોલીસે દંપતિના દૂર-દૂર સુધીના કુટુંબીજનો, તાલુકાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સહિત અનેક લોકોની પૂછપરછ કરી છે, પરંતુ કોઇ ઠોસ માહિતી મળી ન હતી. પોલીસને મોતને ઘાટ ઉતારાયેલા દંપતિથી થોડે દૂર રહેતા અરવિંદ ચૌહાણની માહિતી મળી હતી. આખરે તેજ હત્યારો નીકળ્યો, પાદરા પોલીસે તેની સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments