અમદાવાદની જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થયેલો આરોપી ઝડપાયો

ખૂનની કોશિશ સહિતના 30 ગુનાઓમાં સંડોવાયેલો સમીર ઉર્ફે બંટી પંડ્યા ઝડપાયો

MailVadodara.com - The-absconding-accused-was-caught-after-being-released-on-interim-bail-from-Ahmedabad-jail

- ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ આરોપીએ પ્રથમ માળેથી કૂદકો મારી ફરાર થવાની કોશિશ કરી, આરોપી ઇજાગ્રસ્ત થતા પોલીસ સારવાર કરાવવા હોસ્પિટલમાં લઇ ગઇ

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેલમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી ફરાર થવાના કિસ્સામાં નજર રાખવામાં આવે છે. તાજેતરમાં ખુન અને ખૂનની કોશિશ સહિતના 30 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો સમીર ઉર્ફે બંટી અશોકભાઇ પંડ્યા (રહે. વિસુધા માર્કેટ, વડોદરા) ને અમદાવાદ જેલમાં કાચા કામના કેદી તરીકે ધકેલવામાં આવ્યો હતો. દરમિયાન ઓક્ટોબર - 2024 ના રોજ તે વચગાળાના જામીન પર છુટ્યો હતો. પરંતુ તેનો સમયગાળો પૂર્ણ થયા બાદ તે પરત ફર્યો ન હતો. આખરે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીને ઝડપી પાડ્યો છે.


વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવામાં ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ કરવામાં આવી હતી. જેમાં આરોપી વડોદરાના રામદેવનગર ખાતે હોવાની બાતમી મળતા જ ટીમ રવાના થઇ હતી. આરોપી ઘરમાં હોવાની ખાતરી કરીને દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ આરોપીએ પ્રથમ માળેથી કૂદકો મારી ફરાર થવાની કોશિશ કરી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર કરાવવા અર્થે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ત્યાર બાદ તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરવામાં આવ્યો છે.

આરોપી સમીર ઉર્ફે બંટી અશોકભાઇ પંડ્યા સામે શહેરના સિટી પોલીસ મથક સહિત જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ખુન, લૂંટની કોશિષ, ખંડણી, રાયોટીંગ, મારામારી, ધમકી, NDPS, હદ પાર વગેરે મળીને 30 જેટલા ગુનાઓ નોંધાયા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને તેને બે વખત પાસા અને એક વખત હદપાર કરવામાં આવ્યો છે. છતાં તેને જમીન મળી જતાં તે પરત હજાર થયો નહીં. આખરે ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીને ઝડપી ફરી જેલ હવાલે કર્યો છે.

Share :

Leave a Comments