- આરોપીએ ભોગ બનનારને કિડનેપ કરી ગોંધી રાખી તલવારના ઘા માર્યા હતા
- પોલીસે આજે બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ
વડોદરા સહિત રાજ્યમાં અવાર નવાર અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. જેને લઇ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપી કહ્યું હતું કે, સીધા રહેજો, સીધા ન રહ્યા તો વરઘોડો નીકળશે. જે બાદ વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
અગાઉ રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી હતી કે, સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે. જેને અનુલક્ષીને આજે વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા છે અને રિકન્સ્ટ્રક્શનની સાથે વરઘોડો પણ કાઢ્યો હતો. આ આરોપીએ 20 નવેમ્બરના રોજ ભીડભાડ વાળી જગ્યાએ હુમલો કર્યો હતો. વડોદરા શહેર પોલીસના સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ચૌહાણ તથા તેમના સ્ટાફ દ્વારા આરોપીને સાથે રાખી લોકોના મનમાં આરોપી બદલ ભય દૂર થાય એવા હેતુ સાથે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
આ અંગે SP એમ.પી.ભોજાણીએ જણાવ્યું હતું કે, આ બનાવ 20 નવેમ્બરના રોજ બનેલો છે. જેમાં આરોપી ખૂનની કોશિશમાં પકડાયેલા છે. આ આરોપી સહિત અન્ય આઠ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દ્વારા ફરિયાદમાં આરોપી પૈકી એકનું પોતાની બહેન સાથે અફેર હતું. જેને લઇ આખી બાબત સામે આવી હતી. ભોગ બનનારને કિડનેપ કરી અને ગોંધી રાખી તલવારના ઘા ભોગ બનનારને મારવામાં આવ્યા હતા. આજે બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને હથિયારો રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ગુનામાં અપહરણ, રાયોટિંગ, મારામારી સહિતના અન્ય ગુન્હાઓ નોંધવામાં આવ્યાં છે.