- પાણી લાઈન નાખવાનું કામ વેલજી રતન સોરઠીયાએ અધૂરું છોડયુ, ૩૫ નોટિસો આપી પરંતુ બ્લેક લિસ્ટ કરતા અધિકારીઓ અને શાસકોના હાથ ધ્રૂજે છે..!
વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટ બાદ હવે શાસકો પણ કોન્ટ્રાક્ટરના નત મસ્તક થઈ ગયા છે અને એ પણ એવા કોન્ટ્રાકટર ને કે જેણે પાલિકાનું ૬૮ કરોડનું પાણીની લાઈનનું કામ અધૂરું છોડી દીધું છે. ૩૫-૩૫ નોટિસો આપીને પણ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત છેલ્લા બે મહિનાથી સ્થાયી સમિતિ અભરાઈએ ચઢાવી દીધી છે.
- પ્રસિદ્ધિ ભૂખ્યા શાસકોની પારદર્શકતા અને પ્રમાણિકતાના દાવા ની પોલ ખુલી..!
વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટના પાપે પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો વર્ષો સુધી પુરા થતા નથી. પાલિકાના શાસકો સસ્તી પ્રસિદ્ધિ માટે છાશવારે મીડિયામાં પારદર્શક વહીવટના દાવા છાતી ઠોકી ને કરે છે. જો કે આ દાવા સામે સવાલો ઉભા કરતો પુરાવો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવાના નામે પાલિકાના કહેવાતા કુશળ શાસકો સર સયાજી રાવ ગાયકવાડે ૧૩૦ વર્ષ પહેલા ઇંગ્લેન્ડથી મંગાવી નાખેલી પાઇપો બદલી રૂ. ૬૮ કરોડના ખર્ચે નવી પાઇપો નાખવાનો નિર્ણય લીધો. નવ કિલોમીટરની પાઇપ લાઈન નાખવાનું આ કામ વેલજી રતન સોરઠીયા નામના કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું. વર્ષ ૨૦૨૧ માં કામ પૂરું કરવાની શરતમાં કોન્ટ્રાકટરે તેને ફાળવેલા સમયમાં માત્ર ૧૬ ટકા કામ કર્યું અને હરખપદુડા અધિકારીઓએ તેને રૂપિયા ૧૨ કરોડ ચૂકવી પણ દીધા... કોન્ટ્રાકટર અધૂરું કામ છોડી જતો રહ્યો અને કોન્ટ્રાકટર સામે ગદગદ થઈ જતા અધિકારીઓ મોઢું વકાસીને જોતા રહ્યા.
- કોંગ્રેસના સિનિયર મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ કમિશનરને પત્ર લખ્યો
કોન્ટ્રાકટર ને એક પછી એક કરીને ૩૫-૩૫ નોટિસો આપવાનો વિશ્વ વિક્રમ સ્થાપાયો પરંતુ કોન્ટ્રાકટર વેલજી રતન સોરઠીયાને બ્લેક લિસ્ટ કરવાની હિંમત અધિકારીઓ ના કરી શક્યા. છેવટે અધિકારીઓએ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ તરફ ધકેલી દેવામાં આવી. ગત ૨૩ જૂને આવેલી દરખાસ્ત સ્થાયી સમિતિએ પણ અભરાઈએ ચઢાવી દીધી. કોન્ટ્રાકટરને ઘી-કેળા કરવા પંકાયેલા સ્થાયી સમિતિના સભ્યો પણ આ દરખાસ્ત છેલ્લા બે મહિનાથી મંજુર કરતા હાથ જાણે ધ્રુજી રહ્યા છે. પાલિકાના કહેવાતા કુશળ વહીવટ અને પ્રસિદ્ધિ ભૂખ્યા શાસકોની સામે કોંગ્રેસના સિનિયર મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા એ પત્ર લખી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી ની માંગ કરી છે.
- શાસકોને સોરઠીયા સામે શરણગતિ સ્વીકારવાનો ગાંધીનગરથી આદેશ આવ્યો છે..??
પાલિકાને ચૂનો ચોપડનાર કોન્ટ્રાકટરને નતમસ્તક થયેલા વહીવટ અને શાશન સામે અનેક સવાલો ઉઠે છે. અધિકારીઓ બાદ હવે શાસકોને પણ કોન્ટ્રાકટર ને બ્લેક લિસ્ટ નહીં કરવાનું દબાણ છે..? આ દબાણ શું ગાંધીનગર થી છે.? વેલજી રતન સોરઠીયા પર શાસકોને આટલો પ્રેમ કેમ..? આવું જ કોઈ અન્ય કોન્ટ્રાકટરે કર્યું હોત તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આટલો સમય લાગ્યો હોત..? શાસકો અને અધિકારીઓની નિષ્ફ્ળતાનું પરિણામ પૂર્વ વિસ્તારના નાગરિકો કેમ ભોગવે..? ખેર, પાલિકાના શાસકો અને વહીવટના પાપે છેવટે તો ભોગવવાનું તો પ્રજાને જ રહે છે..