- આ કામગીરીમાં પાણીની 21 લાખ લિટરની ઊંચી ટાંકી, 80 લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સંપ અને ફીડર લાઇન સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 કરોડના ખર્ચે સેવાસી ગામ, સેવાસી ટીપી- એક, ખાનપુર સેવાસી ટીપી- એક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેનું ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પાણીની ઊંચી ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ, ફીડર લાઇન સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના જાહેરનામા અનુસાર તા.18/06/2020 મુજબ વર્ષ 2020-21માં વડોદરા શહેરમાં સમાવિષ્ટ વુડાના સાત ગામો પૈકી વડોદરા કોર્પોરેશનની હદમાં પશ્ચિમ ઝોનમાં નવા સમાવિષ્ટ વિસ્તાર સેવાસી ગામ, સેવાસી ટી.પી-1, ખાનપુર-સેવાસી ટી.પી-1 વિસ્તા૨ને પાણીની પ્રાથમિક સુવિધાઓ આપવા કામ ક૨વાની જરૂરીયાત દર્શાવી હતી. આ વિસ્તારમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સેવાસી ટી.પી-1, એફ.પી-63 (પ્લોટનો હેતુ- આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે હાઉસિંગ નો છે) જે બાબતે પ્લોટનો હેતુફેર કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર ની મંજુરી મેળવેલ છે, અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા હેતુ ફેર કરવાનો રહેશે. આ પ્લોટમાં 21 લાખ લીટર ઉંચી ટાંકી, 80 લાખ લીટર કેપેસિટીના ભુગર્ભ સંપ, પંપ હાઉસ, ફીડર લાઈન, પંપીંગ મશીનરી, ડીલીવરી નેટવર્ક તથા અન્ય સિવિલ ઈન્ફાસ્ટ્રકચર ઊભું કરવામાં આવનાર છે. આ કામગીરી માટે ત્રણ વખત ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. જેમાં અંદાજ કરતા 36 ટકા વધુ ભાવનું ટેન્ડર સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું હતું.