કોંગ્રેસના કાઉન્સિલરે દુષિત પાણી ભરેલી બોટલ મેયરને બતાવી ટાંકીઓની સફાઈ ન થતી હોવાના આક્ષેપ કર્યા

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં દુષિત પાણીને લઇ હોબાળો

MailVadodara.com - The-Congress-councilor-showed-a-bottle-filled-with-contaminated-water-to-the-mayor-and-alleged-that-the-tanks-were-not-being-cleaned

- વડોદરા પાલિકાના વોર્ડ નંબર 16ના મહિલા કાઉન્સિલર અલકાબેન પટેલ પોતાના વિસ્તારમાં આવતા દૂષિત પાણી ભરેલી બોટલ લઈને સભામાં પહોંચ્યા હતા

- મહિલા કાઉન્સિલરની રજૂઆતને અન્ય કાઉન્સિલરોએ પણ સમર્થન આપ્યું હતું


વડોદરા કોર્પોરેશનમાં ગુરુવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલર વિસ્તારમાં આવતા દૂષિત પાણી ભરેલી બોટલ લઈને સભામાં પહોંચ્યા હતા. ચર્ચા દરમિયાન તેઓએ દૂષિત પાણી ભરેલી બોટલ સભા અધ્યક્ષ મેયર સામે ધરીને જણાવ્યું હતું કે, વિસ્તારના લોકો દૂષિત પાણી પી રહ્યા છે. છેલ્લા છ મહિના ઉપરાંતથી ટાંકીઓની સાફ સફાઇ થઈ નથી. મહિલા કાઉન્સિલરની રજૂઆતને અન્ય કાઉન્સિલરોએ પણ સમર્થન આપ્યું હતું અને પાણી અંગે ધારદાર રજૂઆતો કરી હતી.

વડોદરા પાલિકાના વોર્ડ નંબર 16ના મહિલા કાઉન્સિલર અલકાબેન પટેલ સામાન્ય સભામાં વિસ્તારમાં આવતા દૂષિત પાણી ભરેલી બોટલ લઇને આવ્યા હતા. સભાની શરૂઆતમાં જ મહિલા કાઉન્સિલર અલકાબેન પટેલે દુષિત પાણીની બોટલ બતાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે. એતો ઠીક પાણીમાં પક્ષીઓના પીંછા અનેક વખત રજૂઆતો કરવા છતાં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલ આવતો નથી. અમારા વિસ્તાર સહિત શહેરની પાણીની ટાંકીઓની સફાઈ થતી ન હોવાથી લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે.


આ મહિલા કાઉન્સિલરની રજૂઆતને સમર્થન આપતા કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અને જહા દેસાઈએ પણ પોતાના વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં લોકો દૂષિત પાણી પી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. દુષિત પાણી પીવાથી અનેક લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. દૂષિત પાણીની સાથોસાથ જીવાતો પણ આવી રહી હોવાના આક્ષેપો કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા સભામાં કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાઉન્સિલરોની આ રજૂઆતોને ભાજપાના કેટલાક કાઉન્સિલરોએ પણ સમર્થન આપ્યું હતું અને દુષિત પોરા વાળું પાણી પીતા લોકોને શુદ્ધ પાણી આપવા માટેની રજૂઆતો કરી હતી.

દૂષિત પાણીના પ્રશ્નને લઈને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓના ઘરે તપાસ કરવામાં આવે કે તેઓ કેવું પાણી પી રહ્યા છે અને તેઓના ઘરોમાં અને તેમની સોસાયટી વિસ્તારોમાં કેવી સફાઈ થઈ રહી છે. અધિકારીઓને માત્ર ને માત્ર પોતાના ઘરની અને વિસ્તારની ચિંતા છે. શહેરના લોકોની તેઓની ચિંતા નથી.

ભાજપાના કાઉન્સિલર મનીષ પગારે પણ દુષિત પાણીના પ્રશ્ન લઈને રજૂઆત કરતા જણાવ્યું કે, દૂષિત પાણી પીવાથી લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા માત્ર સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ દૂષિત પાણીના પ્રશ્ન અંગે કાયમી નિકાલ લાવવામાં આવતો નથી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશનમાં મળતી સામાન્ય સભામાં ઉપસ્થિત રહેતા કાઉન્સિલરોને શુદ્ધ પાણીની બોટલો પીવા માટે મૂકવામાં આવે છે. કાઉન્સિલરો અને કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ શુદ્ધ પાણી પીવા માટેની વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ વડોદરા શહેરની સામાન્ય પ્રજા વેરો ભરવા છતાં શુદ્ધ પાણી પી શકતા નથી. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ અને ભારે વરસાદના કારણે કોર્પોરેશનની ટાંકીઓની સફાઈ થઈ ન હોવાના પણ કાઉન્સિલરોએ આક્ષેપો કર્યા હતા.

Share :

Leave a Comments