કોંગ્રેસના કાઉન્સિલરે ભુવામાં બેસી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

દાંડિયાબજાર વિસ્તારમાં ભુવો પડતા

MailVadodara.com - The-Congress-councilor-sat-in-Bhuwa-and-tried-to-wake-up-the-dormant-system

- નબળી કામગીરીના પાપે ભુવા પડતા હોવાના આક્ષેપો

વડોદરામાં ચોમાસાની શરૂઆત થતા જ રોડ પર ખાડા પડવાની સાથે રોડ હલકી કક્ષાની કામગીરીને લીધે ધોવાઈ રહ્યા છે, બીજી બાજુ વિવિધ વિસ્તારમાં મોટા ભુવા પણ પડી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનમાં આવેદનપત્ર આપીને રોડ પર પડેલા ખાડા અને ભુવાના કારણે કોઈ જીવલેણ અકસ્માત ન થાય તેને ધ્યાનમાં રાખીને વેળાસર રીપેરીંગ અને પુરાણની કામગીરી કરવા માંગ કરી છે.


શહેરમાં ચોમાસાની ઋતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જામી છે ત્યારે મોટાભાગના તમામ મુખ્ય રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. પરિણામે દ્વિચક્રી વાહનચાલકોને સતત અકસ્માત અને પડી જવાનો ભય રહે છે. જ્યારે અન્ય વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અરવિંદ આશ્રમની બાજુમાં ટ્રાફિકથી જ ધમધમતા રોડ પર છેલ્લા બે દિવસથી પડેલા ભુવા અંગે રજૂઆત કર્યા પછી પણ રીપેરીંગ નહીં કરવામાં આવતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટરે ભુવામાં બેસી જઈને તંત્રની નિષ્કાળજી સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હલકી કક્ષાની કામગીરી થવાના કારણે રોડ પર ભુવા પડી રહ્યા છે. રોડ બનાવ્યા બાદ એક જ વર્ષમાં પાણી અને ગટરની લાઈનના ખોદકામ કરવામાં આવે છે, જેનું બાદમાં વ્યવસ્થિત પુરાણ નહીં કરવામાં આવતા અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવતા રોડ પર જોખમી ભુવા પડી રહ્યા છે. હાલ વરસાદની સિઝનમાં દિવસ-રાત વરસાદી ઝાંપટા પડે છે ત્યારે આવા ભુવાના કારણે રોડ પરથી પસાર થનાર લોકો માટે મોટું જોખમ ઊભું થાય છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં રોડ રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરો પાસે રસ્તો નહીં તૂટવા અંગે ત્રણ વર્ષની ગેરંટી લેવામાં આવતી હોય છે. પરંતુ ડ્રેનેજ પાણી જેવા કામો કરવાના બહાને રોડ ખોદી નાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો બે બે વખત રોડ રસ્તાના બિલ લઈ જાય છે તેવો આક્ષેપ કર્યો છે. રોડ રસ્તાની હલકી કામગીરીના કારણે સામાન્ય વરસાદમાં વડોદરામાં ઠેર ઠેર ખાડા પડી જાય છે. આમ બાળુ સુર્વેએ પાલિકા તંત્રની આંખો ઉઘાડવા દાંડિયાબજારના આ ભુવામાં બેસીને વિરોધ નોંધાયો છે.

એ જ પ્રમાણે શહેરના છાણી વિસ્તારમાં સ્મશાન રોડ પર રોડ પર ખાડા પડી ગયા છે, અને ભુવા પડ્યા છે. છાણી તળાવની પાળ પણ ધોવાઈ ગઈ છે, અને ત્યાં પણ અંદરથી પોલાણ ખુલ્લું થતાં ભુવો આકાર લઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી ભારે વરસાદની આગાહી છે, ત્યારે આ ભુવાના કારણે તળાવની પાળ વધુ ધોવાશે અને રેલિંગ વગેરે પણ તૂટ જાય તેવી શક્યતા રહેલી છે. જેને પગલે વેળાસર રીપેરીંગ કરવાની વોર્ડ એકના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તંત્રની નિષ્કાળજીના લીધે વડોદરા ભુવા નગરી બની ગયું છે તેમ લાગે છે, એમ તેમનું કહેવું છે.

Share :

Leave a Comments