શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધીના રોડની બંને બાજુના લારી-ગલ્લાના હંગામી દબાણો દૂર કરાયાં

દબાણ શાખાએ 15 જેટલી લારીઓ અને 7 હંગામી શેડ દૂર કરી 2 કિમી રોડ ખૂલ્લો કર્યો

MailVadodara.com - Temporary-pressure-of-lorries-on-both-sides-of-the-road-from-Shastri-Bridge-to-Chhani-Circle-removed

- પાલિકાની આ કામગીરી સમયે દબાણકારો અને અધિકારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી જોકે, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની છેલ્લા 21 દિવસથી ઝુંબેશ ચાલી રહી છે. આજે 22મા દિવસે દબાણ શાખાએ શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધીના રોડ ઉપરના લારી-શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂર કરવામાં આવતા બે કિલોમીટરનો રોડ દબાણ મુક્ત થયો હતો. પાલિકાની આ કામગીરી સમયે દબાણકારો અને અધિકારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી. જોકે, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી.

વડોદરા કોર્પોરેશન દ્વારા શુક્રવારે તરસાલી વિસ્તારમાં દબાણો દૂર કર્યા બાદ આજે વોર્ડ નંબર 1-2માં આવતા શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધીના રોડની બંને બાજુના લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ ઉપર બનાવવામાં આવેલા કાચા-પાકા શેડ, પાકા ઓટલા સહિતના હંગામી દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. શહેરના પશ્ચિમ-ઉત્તર વિભાગમાં શાસ્ત્રી બ્રિજથી દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે નિયત સમયે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી. દબાણ શાખા ટીમે બ્રિજ પાસે જ ઉભી રહેતી અનેક ખાણીપીણીની લારીઓ સહિત ખાનગી ટ્રાવેલ્સ વાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ સહિત અનેક બંધ પડેલા વાહનો, બ્રિજ નીચે પડેલી અનેક ચીજ વસ્તુઓ સહિત ગાદલા-ગોદડાનો કેટલો જથ્થો જપ્ત કર્યો હતો.

જો કે ખાણી પીણીની લારીઓવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ કબજે લેવાની કાર્યવાહી સમયે લારી ધારકો એકઠા થઇ ગયા હતા અને પાલિકા અધિકારીઓને લારીઓ ઉઠાવી ન જવા માટે રજૂઆત કરી હતી. જોકે પાલિકા દ્વારા કાર્યવાહી ચાલુ રાખી 15 જેટલી લારીઓ કબજે કરી હતી અને 7 જેટલા હંગામી શેડ દૂર કર્યા હતા. કેટલાક લારી ધારકો ખાણીપીણીની લારીઓ જપ્ત થાય તે પહેલાં જ લઇને જતા રહ્યા હતા. ઠેક-ઠેકાણે દબાણ કરનારાઓ અને પાલિકા ટીમ વચ્ચે ચકમક ઝરી હતી, પરંતુ બંદોબસ્તમાં રહેલી પોલીસે મામલો થાળે પાડી દીધો હતો.

Share :

Leave a Comments