વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બે વાહનોને અડફેટે લીધા બાદ ટેન્કર પલટી ખાઇ ગયું હતું. આ ઘટનામાં મૂળ રાજસ્થાનના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મામલે હરણી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા પાસે નેશનલ હાઇવે પર ગોલ્ડન ચોકડી પાસે ચાની રાધે ટી-સ્ટોલ ચલાવતા ધર્મેશભાઇ ભરવાડે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રે 2.40 વાગ્યે એક ટેન્કર પુરપાટ ઝડપે આવ્યું હતું. બેદરકારીથી ચલાવીને ઓટો રિક્ષા અને કારને અડફેટે લીધી હતી અને મારા ટી-સ્ટોલની સામે રોડની સાઇડમાંથી જઇને ટેન્કર પલટી ખાઇ ગયું હતું.
અમે ત્યાં ત્યાં પહોંચ્યા ત્યારે ટેન્કરનો ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં કેબિનમાં હતો. કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. જો કે, સ્થળ પર જ તેનું મોત થયું હતું. ડ્રાઇવરના ખિસ્સા ચેક કરતા તેમાંથી લાઇસન્સ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ રાજુલાલ રામલાલ બૈરવા (ઉ.29) (રહે. દોશરા, જિ. જયપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી, જેથી તેના પરિવારજનો રાજસ્થાનથી વડોદરા આવવા નીકળ્યા હતા. અને મૂળ રાજસ્થાનના રહેવાસી રાજુલાલ બૈરવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.