- આજે સવારે ખંડેરાવ માર્કેટ સામે મેયર કચેરીના ગેટ પાસે જાહેર રોડ ઉપર વેપાર-ધંધો કરનારાના પોટલા સહિત એક ટેમ્પો કબજે કર્યો
વડોદરાના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ મળી ચારેય દિશામાં હંગામી દબાણોનો રાફડો ફાટ્યો છે અને સમી સાંજથી ચારે બાજુએ ખાણીપીણીની લારીઓના હંગામી દબાણો પર સતત ચોથા દિવસે દબાણ શાખાની ટીમે પાંચ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. સમી સાંજે શરૂ થયેલી કાર્યવાહી રાત્રે બાર વાગ્યા સુધી ચાલી હતી.
વડોદરા શહેરના ચારેય ઝોન વિસ્તારમાં સમી સાંજથી ખાણી-પીણીની લારીઓ તેમજ દુકાનદારો દ્વારા ટેબલ ખુરશીઓ ગ્રાહકો માટે ગોઠવાય છે, ત્યારે માણેજા હાઇવેથી સુશેન સર્કલ, ન્યુ વીઆઈપી રીંગ રોડથી ફતેપુરા થઈને ચાંપાનેર દરવાજા સુધી તથા છાણી તળાવ સુધીના હંગામી દબાણો તથા અલકાપુરી ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ સુધીના બંને બાજુના રોડ, ગોત્રી હોસ્પિટલથી ગોત્રી તળાવ સુધી તથા અલકાપુરી ગરનાળાથી આંબેડકર સર્કલ સુધીના બંને બાજુના રસ્તે તથા પ્રતાપ નગર બ્રિજ પાસેથી ઓએનજીસીના બંને સાઈડના રસ્તેથી હંગામી દબાણો લારી-ગલ્લા સહિત ખુરશી-ટેબલો મળી પાલિકાની દબાણ શાખાની ટીમે પાંચ ટ્રક જેટલો માલ-સામાન કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, તમામ બોર્ડ ઓફિસરો તથા દબાણ શાખાની ટીમ કાર્યવાહીમાં જોડાઈ હતી. સમી સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી મોડી રાત્રે અંદાજિત બાર વાગ્યા સુધી ચાલી હતી. આ કાર્યવાહી દરમિયાન તમાશો જોવા લોક ટોળા એકત્ર થયા હતા. જ્યારે આજે સવારે ખંડેરાવ માર્કેટ સામે મેયરની કચેરીના ગેટ પાસે જાહેર રોડ પરનો વેપાર ધંધો કરનારાના પોટલા સહિત એક ટેમ્પો કબજે કર્યો હતો.