- છેલ્લા પાંચ વર્ષથી સફાઈ ના નામે ધુપ્પલ ચાલી રહ્યું હોવાના આક્ષેપો
ભ્રષ્ટાચાર થી ખદબદતા વડોદરા મહાનગરપાલિકા ના વહીવટના પાપે શહેરમાં વિકાસ જેવું કાંઈ દેખાતું નથી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ચાલતા સ્વીપર મશીન સ્વચ્છતા કરવાને બદલે કચરો કરે છે અને દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવાઈ જાય છે.
- પાલિકાના સ્માર્ટ અધિકારીઓ દર વર્ષે કરોડોનું આંધણ કરે છે...!
વડોદરા શહેરના કાઉન્સિલરો અને અધિકારીઓ તાજેતરમાં ઇન્દોરના પ્રવાસે ગયા હતા. કારણ હતું સ્વછતા માં દેશમાં પહેલા નંબરે રહેતાં ઇન્દોરનું અનુકરણ કેવી રીતે કરવું ? ટૂંકમાં વડોદરા ને પણ સ્વછતા માં પહેલા નંબરે કેવી રીતે લાવવું. આ આવો પહેલો પ્રવાસ નથી. અગાઉ પણ કાઉન્સિલરો અને અધિકારીઓ અલગ અલગ વિષય પર દેશ વિદેશ ના પ્રવાસ કરી ચુક્યા છે. જો કે એ વાત અલગ છે કે આવા પ્રવાસો માત્ર એક ટુર બની ને રહી જાય છે. કારણ કે દેશ વિદેશના પ્રવાસ દરમ્યાન શીખેલું વડોદરા માં લાગુ કરવા તંત્ર અને શાસકો નિષ્ફ્ળ જાય છે. ખેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સ્વીપર મશીનો માં પણ કરોડોનું આંધણ થઈ રહ્યું છે.
- ઓટોમેટિક મશીનો ધૂળ ઉડાડી કચરો સાફ કરવાને બદલે કચરો કરે છે
વડોદરા શહેરમાં ચાર ઝોન દીઠ બે મશીનો પ્રમાણે આઠ સ્વીપર મશીનો હતા અને બે વધુ મશીનો નવા આવ્યા. એટલે કુલ દશ મશીનો થયા. આ અત્યાધુનિક સ્વીપર મશીનો કેવી રીતે કામ કરે છે એ જાણીએ. હવે હેતુ સાથે આ મશીનો લાવવામાં આવ્યા હતા એ હેતુ પાર પડે છે કે નહીં એ જોઈએ. વડોદરા શહેરના વિવિધ વિસ્તારો માં ફરાતા સ્વીપર મશીનો ની કામગીરી અમે તપાસી તો જે દ્રશ્યો અમે જોયા એ ચોંકાવનારા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ મશીનો કચરો સાફ કરતાં જ નથી, પરંતુ કરે છે. સ્વીપર મશીનમાં કચરો ખેંચાઈ જવાને બદલે કચરો ઉડે છે. માટીની ડમરી ઉડી રહી છે. હાલમાં રોગચાળા વચ્ચે રાહદારીઓ મશીનને કારણે શ્વાસ માં ધૂળ લઈ રહ્યા છે. સ્વીપર મશીન ડીવાઇડરની ધાર પર ની માટી ખેંચવાને બદલે આગળ ધકેલે છે. જે કચરો મશીન પાછું ખેંચી મજુર દ્વારા માટી અને કચરો પાવડા વડે ભરવામાં આવે છે.
- કોંગ્રેસના કાઉન્સીલર બાળુ સુર્વે એ વિજિલન્સ તપાસની માંગ કરી
હવે જે હેતુ સાથે મશીન લાવવામાં આવ્યું હતું એ હેતુ સર થતો નથી તો મશીન શા કામ ના ? હવે અમે તમને જણાવી દઈએ કે પાલિકા આ સ્વીપર મશીનો પાછળ અત્યાર સુધી કેટલા નાણાં ખર્ચી ચૂક્યું છે. આ એક મશીન ની કિંમત રૂપિયા ૮૦ લાખ છે એટલે કે પાંચ વર્ષ અગાઉ ખરીદેલા આઠ મશીનના થયા રૂપિયા ૬.૪૦ કરોડ. પાલિકાએ સ્વીપર મશીન ચલાવવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. એક મશીન એક શિફ્ટ ચલાવવાના પાલિકા રૂપિયા ૧૨૦૦૦ ચૂકવે છે એટલે કે આઠ મશીન ના એક શિફ્ટના ૯૬ હજાર. અધિકારીઓ મુજબ હાલમાં છ મશીનો જ કાર્યરત છે. બાકીના ચાર કોન્ટ્રાકટ રીન્યુ થયો નથી એટલે કલાલી પડી રહ્યા છે. પાલિકા વર્ષે દહાડે આ મશીનના કોન્ટ્રાકટ પેટે લગભગ અઢી કરોડ ચૂકવે છે અને આ ચુકવણું લગભગ છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે. જો કે જાડી ચામડીના શાસકો અને અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી. કોંગ્રેસના કાઉન્સિલર બાળું સુર્વેએ પણ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ને પત્રો લખ્યા હતા. હવે સુર્વે વિજીલન્સ ની તપાસ માંગી રહ્યા છે.
અહીં મહત્વનું એ છે નરી આંખે દેખાઈ રહ્યું છે કે સ્વીપર મશીનો સફાઈ કરી શકતા નથી જેના કારણે મજૂરો સાથે રાખવા પડે છે અને મજૂરો સફાઈ કરી રહ્યા છ. જો કે આપણે જે જોઈ શકીયે છે એ અધિકારીઓ અને શાસકો ને નજરે પડતું નથી. તો શું આને ભ્રસ્ટાચાર ના કહેવાય ? પ્રજાના પરસેવાની કમાણી ભ્રષ્ટાચાર ને ભેટ ચડાવતા અધિકારીઓ સામે કાર્યવાહી ના થવી જોઈએ?