હાથીખાનાની બે દુકાનોમાંથી મરચું-જીરા પાવડરનો 150 કિલો શંકાસ્પદ જથ્થો, 10 લાખથી વધુના મરી-મસાલા સીઝ કરાયાં

રસોઈ ઘરમાં આગવું સ્થાન ધરાવતું મરચું અને જીરા પાવડરનો ઉપયોગ હવે આરોગ્ય માટે જોખમરૂપ બન્યો..!!

MailVadodara.com - Suspicious-amount-of-150-kg-of-chili-jeera-powder-over-10-lakhs-worth-of-chili-masala-seized-from-two-shops-in-Hathikhana

- ફૂડ સેફ્ટી વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ માહિતીના આધારે સંયુક્ત દરોડા પાડયા હતા

- હાથીખાનાની  ગુરૂકૃપા ટ્રેડર્સ અને રાધિકા મસાલા નામની બે દુકાનોમાં દરોડા, વેપારીએ મરચું-જીરા પાવડરના આવેલા જથ્થામાંથી 100 કિલો જેટલો જથ્થો છૂટક બજારમાં વેચી દીધો


મધ્ય ગુજરાતના સૌથી મોટા હાથીખાના માર્કેટમાં મરી-મસાલાનો વેપાર કરતા બે દુકાનદારોની ત્યાં વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ માહિતીના આધારે સંયુક્ત દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન દુકાનોમાંથી જે આરોગ્ય માટે હાનિકારક 150 કિલો મરચું અને જીરા પાવડરનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

રસોઈ ઘરમાં આગવું સ્થાન ધરાવતું મરચું અને જીરા પાવડરનો ઉપયોગ કરવો પણ હવે આરોગ્ય માટે જોખમરૂપ બન્યો છે. મળતી માહિતી અનુસાર કોર્પોરેશનના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે, હાથીખાના માર્કેટમાં આવેલી જથ્થાબંધ અને છૂટક મરી-મસાલાનો વેપાર કરતા બે દુકાનદારો દ્વારા ભેળસેળયુક્ત મરચું-જીરા પાવડર સહિત અન્ય મરી-મસાલો વેચાણ કરવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગે વડોદરા સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ (SOG)ની મદદ લઇ બંને અલગ-અલગ ટીમ બનાવી દુકાનોમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગના ઇન્સ્પેકટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું કે, હાથીખાનામાં આવેલી ગુરૂકૃપા ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. જેના માલિક પહેલાજ આસનદાસ નહેલાની (રહે, એ-2, ફ્લેટ નંબર-502, દેવનારાયણ સોસાયટી, વારસીયા) આ ઉપરાંત હાથીખાનામાં આવેલી અન્ય એક મરી-મસાલાની રાધિકા મસાલા નામની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેના માલિકનું નામ કમલેશ પરસરામ અલવાણી (રહે. 29-એ, દર્શનમ સ્પેન્ડેારા, વાસણા-ભાયલી રોડ, વડોદરા) આરોગ્ય માટે હાનિકારક મરચું-જીરા પાવડરનો 150 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બંને દુકાનોમાંથી આરોગ્ય માટે હાનિકારક મરચું-જીરાનો પાવડર સહિત વિવિધ મરી-મસાલાના નમૂના લેવામાં આવ્યા છે અને આ નમૂનાને પૃથકરણ માટે કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.


એસ.ઓ.જી.ના પી.આઇ. વી.એસ. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાથીખાના માર્કેટમાં ગુરૂકૃપા ટ્રેડર્સ અને રાધિકા મસાલા નામની દુકાનમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમ સાથે ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બંને દુકાનમાંથી 2139 કિલો મરચાં પાઉડર, 338 કિલો હળદર, 95 કિલો મરી પાઉડર અને ઘાણા પાઉડર 36.800 કિલો ગ્રામ મળી કુલ રૂપિયા 10,74,643 ના મરી-મસાલા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે, ગુરૂકૃપા ટ્રેડર્સના માલિક પહેલાજ નેહલાની સામે વર્ષ-2023માં ભેળસેળયુક્ત મરચાં પાઉડર વેચવાનો કેસ નોંધાયો હતો. બંને આરોપીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી વધુ નફો રળતાં હતા. બંને સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુરૂકૃપા ટ્રેડર્સના વેપારી પ્રહલાદ મહેલાનીએ જણાવ્યું કે, મરચું પાવડરનો જથ્થો અમદાવાદથી આવ્યો હતો. તે જ રીતે અન્ય મસાલા વિવિધ સ્થળોએથી આવે છે. અમોને મરચું પાવડર ભેળસેળ યુક્ત હોવાનું જણાવતા જથ્થો પરત મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ, મરચું પાવડર જે તે વેપારીને પરત મોકલીએ તે પહેલા કાર્યવાહી થાય છે. મરચું-જીરા પાવડરના આવેલા જથ્થામાંથી 100 કિલો જેટલો જથ્થો છૂટક બજારમાં વેચી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા SOG દ્વારા કફ સીરપનો શંકાસ્પદ જથ્થી મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે. જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યાં વડોદરામાં આવેલા મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ-કરીયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરૂકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચાં, ઘાણા-જીરુ, હળદર તેમજ મસાલા પકડી પાડતા ચકચાર મચી ગઇ હતી.

Share :

Leave a Comments