પાદરામાં ચોર હોવાની શંકા રાખી સ્થાનિકોએ ત્રણ યુવકોને ઢીબી નાખ્યા, પોલીસે માંડમાંડ બચાવ્યા

પાદરાની કંપનીમાં નોકરી કરતા 3 પરપ્રાંતીય યુવકો ગરબા જોવા નીકળ્યા હતા

MailVadodara.com - Suspecting-thieves-in-Padra-locals-beat-up-three-youths-police-barely-save-them

- ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ ત્રણેયને એટલી હદે મેથીપાક ચખાડયો કે તેમને પાદરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરામાં ચોરી કરવા આવ્યા હોવાની આશંકાએ સ્થાનિક લોકોએ ત્રણ પરપ્રાંતીયોને ઢીબી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાદરાના સરકારી દવાખાનામાં ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલાનો ભોગ બનેલા ત્રણેય ગરબા જોવા માટે નીકળ્યા હતા.

વડોદરા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોની ટોળકી હથિયારો સાથે ચોરી કરવાના ઇરાદે મોડી રાત્રિના સમયે આવતી હોય છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો પોતાના ઘરમાં પણ કોઈ પણ બનાવ ન બની જાય તેના માટે આખી રાત સુધી ફળિયામાં લોકો બેસીને ચોકીદારી કરી રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના પાદરામાં ત્રણ જેટલા પરપ્રાંતીય લોકો આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોએ તેમને ચોર સમજીને ફટકાર્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણેયને એટલી હદે મેથીપાક ચખાડયો હતો કે તેમને પાદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ત્રણ પરપ્રાંતીય લોકો પાદરામાં આવેલી કોઈ એક કંપનીમાં નોકરી કરે છે. રાત્રિના સમયે તેઓ ગરબા જોવા માટે નીકળ્યા હતા. દરમિયાન લોકોને તેમના પર ચોર હોવાની આશંકા જતાં તેમને પકડી લીધા હતા અને ઢીબી નાખ્યા હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

Share :

Leave a Comments