- તમામ સરકારી દવાખાનામાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તમામ નાગરીકોને ટાઇફોઇડની રસી વિનામૂલ્યે મળે તેવું આયોજન કરવા મેયર અને કમિશનરને રજૂઆત કરાઈ
વડોદરામાં દર ચોમાસાની જેમ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગના કેસોમાં ઉછાળો આવતા કોર્પોરેશન દ્વારા રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પગલાં લેવાની વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે. ખાસ કરીને શહેરના દરેક વોર્ડમાંથી દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી 25 રેન્ડમ પાણીનાં સેમ્પલ તથા ગંદા પાણીની ફરીયાદવાળા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઇ તેનો ડેટા જાહેર કરવા રજૂઆત કરાઈ છે. સરકારી દવાખાનાના આંકડા વિસ્તાર પ્રમાણે જાહેર કરવા, ગંદા પાણીની સમસ્યાનું નિવારણ 24 કલાકમાં જ થાય અને જયાં ફરીયાદ હોય ત્યાં વૈકલ્પિક પાણીની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવા સૂચવ્યું છે.
આ ઉપરાંત કોર્પોરેશનના મેલેરીયા/ફાઇલેરીયા વિભાગમાં જ્યાં પણ સ્ટાફની ઘટ હોય તે તાત્કાલિક હંગામી ધોરણે ભરતી કરી ઇન્ટ્રાડોમેસ્ટીકની કામગીરી વ્યવસ્થિત થાય અને તેનું મોનીટરીંગ કરવા પણ કહ્યું છે. તમામ સરકારી દવાખાનામાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વિગેરેમાં તમામ નાગરીકોને ટાઇફોઇડની રસી વિનામૂલ્યે મળે રહે તેવું આયોજન કરવા મેયર અને કમિશનરને રજૂઆત કરાઈ છે. ઝાડા-ઉલ્ટી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
પાલિકાના ચોપડે ચાલુ વર્ષે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પાણીજન્ય રોગો જેવા કે, ઝાડા-ઉલ્ટીના કુલ-3275, ટાઇફોડ કુલ-211 અને મચ્છર જન્ય રોગો ચીકનગુનીયા, ડેંગ્યુ અને મેલેરીયાના કુલ-177 કેસો નોંધાયેલ છે. વડોદરા શહેરમાં વર્ષોથી જે પાણીના રેન્ડમ સેમ્પલ લેવામાં આવતા હતા તે કોર્પોરેશને બંધ કર્યા છે તે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ કરવાની જરૂર છે. જયાં ગંદા પાણીની ફરીયાદ આવે છે ત્યાં વોર્ડ, વિતરણ, પ્રોજેકટ વિભાગ અને ડ્રેનેજ વિભાગના સંકલનના અભાવના કારણે નાગરીકોને દૂષિત પાણીનો સપ્લાય મહીનાઓ સુઘી ચાલુ રહે છે.
દુષિત પાણીની ફરીયાદ આવે ત્યાં તાત્કાલિક પાણીનું વિતરણ બંધ કરી ટેન્કર દ્વારા પાણી સપ્લાય ચાલુ કરી દેવો જોઈએ જેથી લોકો બીમારીનો ભોગ ન બને. ગંદા પાણીનો ભરાવો, કન્સ્ટ્રકશન સાઇટ ઉપર તેમજ સ્લમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવમાં ખુબજ વધારો થયો છે. આ બધું મોનિટરિંગ કરવા માટે ઇન્ટ્રાડોમેસ્ટીકની કામગીરીનું મોનીટરીંગ કડક થઈ શકે.