- શ્રાવણ માસના પવિત્ર મંગળવાર અને શનિવારે નિમિત્તે શ્રી હઠીલા હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર અને ડેકોરેશન પણ કરાશે
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, આ વખતે શ્રાવણ માસ ધામધૂમથી ઉજવાશે. શિવાલયોમાં શ્રાવણ માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાથે જ મહાદેવના 11માં રુદ્ર અવતાર એટલે રામભક્ત સંકટમોચન હનુમાનજી મહારાજ, વડોદરા શહેરના સુરસાગર તળાવ નજીક સુપ્રસિદ્ધ શ્રી હઠીલા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠ તેમજ વિવિધ પ્રકારના શણગારના મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસના પવિત્ર મંગળવાર અને શનિવારે નિમિત્તે શ્રી હઠીલા હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર, ડેકોરેશન, કરવામાં આવશે, સાથે જ શ્રાવણ માસ દરમિયાન દર મંગળવાર અને શનિવારે વડોદરા શહેરના અલગ-અલગ વક્તા દ્વારા તુલસીદાસ રચિત રામચરિતમાનસ પંચમ સોપાન સંગીતમય સુંદરકાંડ પાઠ, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ભજન, ધૂન અને આરતી સાંજે 8 કલાકથી આયોજન કરવામાં આવેલ છે, હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરશે તે માટે મંદિરના મહંત શ્રી દીપેનવન ગોસ્વામીએ શહેરીજનોને ભક્તિભાવ પૂર્વક નિમંત્રણ પાઠવ્યું છે.
શિવના 11મા રુદ્ર અવતાર સમાન હનુમાનજીના દર્શન કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી મહારાજના વાનર સ્વરૂપની પૂજન કરવાથી બજરંગ બલી ભક્તોના શત્રુઓનું નાશ કરે છે. દુશ્મનોની હાર થાય છે, હનુમાનજીની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. શ્રાવણ માસમાં હનુમાનજીની ઉપાસના કરવાથી બજરંગબલી હંમેશા તેમની રક્ષા કરે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે.