- વિદ્યાર્થીઓ ઇન્ટર્નલ એક્ઝામ પણ આપી ન શક્યા અને હોસ્ટેલમાં એડમિશન પણ ન મળ્યું
વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં રિ-એસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજી સુધી આવ્યું નથી. જેને પગલે આજે ટેક્નોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માગ કરી હતી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ ટેક્નોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર પહોંચી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત ‘બોલાવો રે બોલાવો ડીન સરને બોલાવો’ના ભારે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. ‘રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાન’ના પણ નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ધનેશ પટેલનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી.
ટેક્નોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રિએસેસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું. પરંતુ તેમનું પરિણામ 60 દિવસથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આવ્યું નથી. જેને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટર્નલ એક્ઝામ પણ આપી શક્યા નથી. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન પણ મળ્યું નથી. જેથી આ વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે.
વિદ્યાર્થી નેતા પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં રિઝલ્ટ આવી ગયાં છે. પરંતુ ટેક્નોલોજી ફેકલ્ટીમાં રિ-એસેસમેન્ટનું રિઝલ્ટ આવ્યું નથી. આ ડીનની ઘોર બેદરકારી છે. ઘણા વિદ્યાર્થીઓ ડિટેઇન છે. તેમનું રિઝલ્ટ આવી જાય અને તેમને ખબર પડી જાય કે પાસ છે કે નાપાસ છે. તો વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં પ્રવેશ મેળવી શકે, વિદ્યાર્થીઓ હાલ અસમંજસમાં મુકાયા છે. આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકતા નથી, જેથી વિદ્યાર્થીઓને બહાર રહેવાની ફરજ પડી છે. ટેક્નોલોજી ફેકલ્ટીના ડીન પાસે ત્રણ ચાર્જ છે. કોઈએ ખાલી ટેક્નોલોજી ફેકલ્ટી માટે કામ કરીને વિદ્યાર્થીઓનું ભલું કરવું જોઈએ. અમે ડીનને છેલ્લા એક મહિનાથી રજૂઆતો કરી રહ્યા છીએ. પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. જેથી આજે અમે આંદોલન કર્યું છે.
ટેક્નોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હર્ષ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું હાલ ટેક્નોલોજી ફેકલ્ટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. જો કે, મારો રિ-એસેસમેન્ટનું રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી. જેથી મને ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. હું ડીન સરને છેલ્લા 12 દિવસથી ફોન કરું છું પરંતુ મને કોઈ સાચો જવાબ આપ્યો નથી. હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી, તેમ છતાં ડીન મને કહે છે કે, તું નાપાસ થયો છે. મારા જેવા 60 થી 70 વિદ્યાર્થીઓ છે જેમના રિઝલ્ટ આવ્યા નથી. જેના કારણે અમને ઇન્ટર્નલ પરીક્ષા આપવા દેવામાં આવતી નથી. 60 દિવસ થયા છતાં અમારું રિઝલ્ટ આવ્યું નથી. જેથી અમે આજે માગણી કરી છે કે, ઝડપથી અમારું રીઝલ્ટ આપી દેવામાં આવે નહીં તો અમે આંદોલન કરીશું.
ટેક્નોલોજી ફેકલ્ટીના ડીન ધનેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈ રિઝલ્ટ અટવાયા નથી. બધા જ રિઝલ્ટ અમે આ વખતે સમયસર જાહેર કરી દીધા છે. આ પ્રશ્ન રિ-એસેસમેન્ટનો છે. 15 થી 20 જેટલા વિદ્યાર્થીઓના રિ-એસેસમેન્ટના રિઝલ્ટ બાકી છે જે પણ આજ સાંજ સુધીમાં આપી દેવાનો પ્રયાસ કરવામાં આવશે.