સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાનો આક્ષેપ સાથે વિદ્યાર્થિનીઓનો હોબાળો

શાકમાં પાણી અને તેલ અલગ-અલગ તરતું જોવા મળે છે : અન્ય વિદ્યાર્થિની

MailVadodara.com - Student-uproar-over-alleged-substandard-food-in-Summers-Girls-Hostel

- વિદ્યાર્થિનીએ કહ્યું, ભોજનમાંથી ઈયળો નિકળે છે, જમતા સમયે લાઈટ બંધ કરી દે છે

- વિદ્યાર્થિનીએ કહ્યું, વોર્ડન બદલાયા ત્યારથી સમસ્યાઓ ઉભી થઈ છે, જમવા માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે, પાણી પણ સવારે 1 જ કલાક આવે છે

ઇન્ચાર્જ ચીફ વોર્ડન હેતલબેન રાવલે વિદ્યાર્થિનીઓના તમામ આક્ષેપોને ફગાવ્યા


વડોદરાના પોલિટેકનિક કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. જમવામાં જીવડા અને ઈયળ આવતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. સાથે સાથે જમવા માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોવાની પણ વાત કરી હતી અને પાણી પણ સવારે માત્ર 1 કલાક આવતું હોવાના આક્ષેપો કર્યાં હતા. ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જોકે, ઇન્ચાર્જ ચીફ વોર્ડને વિદ્યાર્થિનીઓના આક્ષેપોને ફગાવ્યા હતા.


સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની દિપ્તી સદારકાએ જણાવ્યું હતું કે, ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં વોર્ડન બદલાયા ત્યારથી જમવાની ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ છે, અમે જમવા બાબતે અનેક વખત ફરિયાદો કરી છે, પરંતુ વોર્ડન કહે છે, થઈ જશે, પરંતુ હજી સુધી કોઈ સુધારો આવ્યો નથી. વોર્ડન મેડમ કહે છે, સુધારો થયો છે. પરંતુ કોઈ સુધારો થયો નથી. સ્ટાફ ઓછો હોવાથી જમવા માટે 1થી 2 કલાક ઉભા રહેવું પડે છે. એક કાઉન્ટર ઉપર જમવાનું પૂરું કરી શકતા નથી.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓને પરીક્ષા ચાલુ હોય, કોલેજ જવાનું હોય તો 2-2 કલાક જમવા માટે ઉભા રહેવાનો સમય હોતો નથી. એક હજાર જેટલી વિદ્યાર્થિનીઓ અહીં હોસ્ટેલમાં રહે છે. અમારી માગણી છે કે, સારું ભોજન આપો અને પૂરતી માત્રામાં અને સમયસર પાણી આપો. સવારે માત્ર એક કલાક પાણી આવે છે. જેથી કોલેજ જવામાં મોડું થાય છે. મેનેજમેન્ટ ખરાબ છે કે, શું છે, તે સમજાતું નથી.


અન્ય વિદ્યાર્થિની ભૂમી લશ્કરે જણાવ્યું હતું કે, અહીં સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની અને પાણીની સમસ્યા છે. ભોજનમાં ભાત સાફ કરેલા હોતા નથી, તેમાંથી ધનેરા નિકળે છે. શાકમાં પાણી અને તેલ અલગ-અલગ તરતું જોવા મળે છે. અમે ફિડબેક લખીએ તો અમને કહેવામાં આવે છે કે, અમે સંચાલક છીએ, તમારે પંચાત નહીં કરવાની. ખાતા હોય ત્યારે જોઈ જોઈને ખાવું પડે છે કે, આમાં આજે ધનેડુ નહીં હોય ને. ઘણીવાર શાકમાં ઇયળ પણ નિકળે છે. જેથી અમને ખાતા પણ ડર લાગે છે કે, આમાં ઈયળ ખવાઈ ગઈ હશે તો. અમે જમતા હોઈએ તો પણ ઉતાવળ કરે છે અને જમતા હોય તો પણ 9 વાગ્યે લાઈટ બંધ કરી દે છે.


સમરસ હોસ્ટેલના ચીફ ઇન્ચાર્જ વોર્ડન હેતલબેન રાવલે જણાવ્યું હતું કે, મેઈન્ટેનન્સના કામના કારણે જમવામાં થોડી વાર લાગતી હશે, પરંતુ, ગઈકાલે 2 કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે. પીવાનું પાણી પણ પૂરતી માત્રામાં આપવામાં આવે છે. ROનું મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું છે. ટીડીએસ સમયસર ચેક કરવામાં આવે છે. છોકરીઓને એવું લાગ્યું કે, શાકમાંથી સ્મેલ આવે છે. તેવી ફરિયાદ આવી હતી. જેથી તુરંત જ અમે એજન્સીના સુપરવાઈઝને જાણ કરી હતી. જેથી તાત્કાલિક નવું શાક બનાવી દેવામાં આવ્યું હતું. અમે એજન્સીને નોટિસ પણ આપી દીધી છે.

Share :

Leave a Comments