- ટેમ્પોમાં ડ્રાઇવર કેબિનમાંથી મળેલા પુઠ્ઠાના બોક્સમાંથી સ્ક્રેપની એલઇડી લાઇટોના જુમ્મર-ટ્યુબલાઇટ મળી, 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયાં
નવરાત્રિનો પર્વ હવે પૂર્ણ થયો છે અને હવે દિવાળીને માત્ર બે અઠવાડિયા જ બાકી છે. ત્યારે વડોદરા પોલીસ નું કામ સ્ટેટ મોનીટરીંગ સેલ કરી રહી હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભંગારના સામાનની આડમાં લઇ જવાતો મોટી કિંમતની દારૂના જથ્થાનો ઝડપી પાડ્યો છે. આમ, તહેવાર ટાણે દારૂ રેલાવવાના બુટલેગરોનો સ્વપ્ન પર એસએમસીની ટીમે પાણી ફેરવી દીધું છે.
વડોદરા શહેર-જિલ્લામાં અવાર નવાર વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ સ્થાનિક પોલીસ કરતી હોય છે. પરંતુ કેટલીક વાર સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આવા વિદેશી દારૂના વેપલા થતા હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ તેના પર નજર રાખી અને ધરોડા પાડતી હોય છે. ત્યારે ગતરોજ ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સતત કાર્યવાહી કરતી હોય છે. આજે મળસ્કે ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન એએસઆઇને બાતમી મળી કે, એક ગોલ્ડન બ્રાઉન રંગના આઇશર ટેમ્પામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ ટેમ્પો મુંબઇ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઇવે પરના સર્વિસ રોડ પર ઉભી છે. બાદમાં તેઓ તાત્કાલિક ટીમને લઇને સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર બાતમી મુજબનો ટેમ્પો મળી આવ્યો હતો. પરંતુ તેમાં કોઇ હાજર ન્હતું. ડ્રાઇવર કેબિનમાં તપાસ કરતા પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા. અંદર તપાસ કરતા સ્ક્રેપની એલઇડી લાઇટોના જુમ્મર અને ટ્યુબલાઇટ મળી આવી હતી. સાથે જ અન્ય બોક્સ મળી આવ્યા હતા. તે ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂને મુદ્દામાલની ગણતરી હાથ ધરી હતી.
ઉપરોક્ત કાર્યવાહીમાં SMC એ રૂ. 52.14 લાખનો દારૂ સહિત કુલ રૂ. 62.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ટ્રકનો ડ્રાઇવર, ટ્રક માલિક મોહંમદઇકબાલ અબ્દુલ્લા શેખ (રહે. છોટાપુર, પાણીના ટાંકા પાસે, ડિસા, બનાસકાંઠા,) દારૂનો જથ્થો પૂરો પાડનાર અને દારૂનો જથ્થે મંગાવનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે તમામ હાલ ફરાર છે.