- સ્ટેટ મોનિટરીંગ સેલે આરોપીઓને ભાદરવા પોલીસ મથકના હવાલે કર્યા
- પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 3 લાખ રોકડા, એક બુલેટ, રિક્ષાઓ, બાઇકો, ટેબલ ફ્રેન સહિત રૂપિયા 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 3 લાખ રોકડ સહિત રૂપિયા 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવા સાથે 9 જુગારીની ધરપકડ કરી હતી. વાંકાનેર ગામમાંથી જુગારનો અડ્ડો પકડાતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
મળેલી માહિતી પ્રમાણે, ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા વાંકાનેર ગામમાં છેલ્લા કેટલાક સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે આ જુગારના અડ્ડા ઉપર દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડતાની સાથે જ જુગારીયાઓને પરસેવો છૂટી ગયો હતો અને પોલીસ ધરપકડથી બચવા માટે દોડધામ કરી મૂકી હતી. જોકે, પોલીસે 9 જુગારીને દબોચી લીધા હતા.
સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા દ્વારા આયોજનબદ્ધ રીતે પાડવામાં આવેલા દરોડાને પગલે જુગારીઓ પોલીસની જાળમાં ફસાઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી નવ જુગારીને ઝડપી પાડયા હતા. જેમાં દિલીપ અબ્દુલભાઇ પરમાર (રહે. વાકાનેર), દિલીપસિંહ અભેસિંહ રાણા (રહે. નાપાવાટા, આણંદ), અશોકભાઇ ઉર્ફ કાબરો ભરતભાઇ ગુપ્તા (રહે. 302, પરીખ ફ્લેટ, આણંદ), બિસ્મીલ્લાખાન મહેતાબખાન પઠાણ (રહે. રાણીયા, સાવલી), ઇમરાન નશરૂલ્લા રાણા (રહે. નાપાવાટા, આણંદ), મહંમદજુનેદશા મદારશા દિવાન (રહે. સાવલી), સુનિલભાઇ રાવજીભાઇ રાણા (રહે. વાકાનેર), કાંતિભાઇ રમેશભાઇ વાદી (રહે. રણોલી), જગદીશભાઇ શંકરભાઇ પઢીયાર (રહે. પદમલા ગામ, વડોદરા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 3 લાખ રોકડા, એક બુલેટ, રિક્ષાઓ, બાઇકો, ટેબલ ફ્રેન સહિત રૂપિયા 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જુગારનો અડ્ડો સ્થાનિક રાજકીય કાર્યકરતાની રહેમ નજર હેઠળ ચાલતો હતો. જેનો વહિવટ ઝડપાયેલા આરોપી દિલીપ અબ્દુલ પરમાર કરતો હતો. તે માલ ઉઘરાવવા ઉપરાંત જુગારીઓને સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો. જુગાર રમવા માટે સાવલી, વડોદરા અને આણંદ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવતા હતાં.
SMC દ્વારા મોડી સાંજે દરોડો પાડીને 9 જુગારીયાને ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. એસએમસીએ આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓને ભાદરવા પોલીસ મથકના હવાલે કર્યા હતા. ભાદરવા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા ભંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ભાદરવા પોલીસ મથકના પી.એસ.આઈ એન. આર. કદાવાલા કરી રહ્યા છે.