- તસ્કરો 400 પાઉન્ડ જેની ભારતીય કિંમત 40 હજાર ઉપરાંત 43 હજાર કિંમતની સોનાની ચેઇન, 10 હજાર રોકડા મળીને કુલ 93 હજારનો મુદ્દામાલ ચોરી ગયા
શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ પ્રથમ વિસ્ટા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. એક મકાનને નિશાન બનાવી મકાનમાં તિજોરીમાં મુકેલ પાઉન્ડ, સોનાના દાગીના તથા રોકડ મળી રૂપિયા 93 હજારનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે ભાયલી વિસ્તારમાં 101, પ્રથમ વિસ્ટા સોસાયટીમાં નિશાબેન છગનભાઈ પરમાર રહે છે અને નોકરી કરે છે. તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેઓના મકાનની બારીની લોખંડની જાળી તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. તિજોરીમાંથી વિવિધ ચિજવસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
નિશાબેન પરમારે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તસ્કરો તિજોરીમાંથી 400 પાઉન્ડ જેની ભારતીય કિંમત રૂપિયા 40 હજાર થાય છે. ઉપરાંત રૂપિયા 43 હજાર કિંમતની સોનાની ચેઇન, રૂપિયા 10 હજાર રોકડા મળીને કુલ રૂપિયા 93 હજારનો મુદ્દામાલ કોઈ શખ્સો ચોરી ગયા છે. વડોદરા તાલુકા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ભાયલી વિસ્તારમાં આવેલ પ્રથમ વિસ્ટામાં થયેલી ચોરીના આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. વિસ્તારના લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, તાલુકા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર કરવામાં આવી રહ્યું છે. જેના કારણે તસ્કરો બેફામ બની ગયા છે. અવારનવાર મકાનોને નિશાન બનાવીને ચોરીઓ કરી રહ્યા છે. અમારી માંગણી છે કે, પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે.
આ ઉપરાંત વડોદરા નજીક આવેલી સિકંદરપુરા પ્રાથમિક શાળામાં ગત એપ્રિલ માસમાં ધોરણ 7ના રૂમમાં મૂકેલી તિજોરીમાંથી કોઈ અજાણી વ્યક્તિ રૂપિયા 15 હજારની કિંમતનું લેપટોપ ચોરી ગયું હતું, પરંતુ શાળાના સંચાલકો દ્વારા કોઈ વિદ્યાર્થી લેપટોપ ચોરી ગયું હશે તેવી શંકાએ અત્યાર સુધી ફરિયાદ કરી ન હતી, પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવતા વાઘોડિયા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ બી, 23 મધુવન સોસાયટીમાં રહેતા હેમલત્તાબેન રમેશભાઈ પટેલે વાઘોડિયા પોલીસ મથકમાં લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.