- મોડી રાત્રે બારીમાં લગાવેલ લોખંડની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ચોરી ફરાર થઇ ગયા
વડોદરા શહેર-જિલ્લામાં ચોરીના બની રહેલા બનાવોમાં વધુ એક ચોરીનો બનાવ વાઘોડિયાના હનુમાનપુરા-ટીંબી રોડ ઉપર આવેલી પ્રાઇમ સિટી સોસાયટીમાં બન્યો હતો. નિંદ્રાધીન પરિવારના મકાનની બારીમાંથી તસ્કરો પ્રેવેશી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂપિયા 3.19 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.
મળતી માહિતી મુજબ, વાઘોડીયાના હનુમાનપુરા-ટીંબી રોડ ઉપર આવેલી 109, પ્રાઇમ સીટી સોસાયટીમાં શૈલેષભાઇ મણીલાલ પટેલ પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં ટેકનિશીયન તરીકે ફરજ બજાવે છે. મોડી રાત દરમિયાન તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે શૈલેષભાઇ પટેલે વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અઢી માસ પહેલા જ હું મારા પરિવાર સાથે પ્રાઇમ સિટી સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો. રવિવારે નોકરીમાં રજા હોવાથી પરિવાર સાથે ઘરે જ હતો. રાત્રીના પરિવાર સાથે જમી અમે આશરે 11.30 વાગે મકાનના પહેલા માળે આવેલ બેડરૂમમાં પત્ની અને બાળક સાથે સૂઇ ગયો હતો. તે દરમિયાન તસ્કરો મકાનના નીચેના બેડરૂમની લોખંડની બારીમાં લગાવેલ લોખંડની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, દીકરો સવારે સ્કૂલમાં જતો હોવાથી અમે સવારે પાંચ વાગે ઉઠી જતાં હોઈએ છે. ઉઠીને જોયું કે તે બેડરૂમના દરવાજા આગળ કપડાં વેરવિખેર પડ્યા હતા. સામેના બેડરૂમની તિજોરી ખુલ્લી હતી. જેથી હું મારા બેડરૂમમાં ગયો હતો, જયાં તિજોરી અને લોકરનું તાળું તૂટેલું હતું. લોકરમાં મૂકેલ 30 ગ્રામનો સોનાનો સેટ રૂપિયા 1.20 લાખની કિંમતનો, 20 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર રૂપિયા 80 હજારની કિંમતનું, 15 ગ્રામની સોનાની લકી રૂપિયા 60 હજારની કિંમતની, 12 ગ્રામની સોનાની ચેન રૂપિયા 40 હજારની કિંમતની, 1.5 ગ્રામની સોનાની બુટ્ટી રૂપિયા 7 હજારની કિંમતની, 1.8 ગ્રામની સોનાની બુટ્ટીની જોડ રૂપિયા 7 હજારની કિંમતની કુલ્લે રૂપિયા 3,19,000 લાખનો મુદ્દામાલ કોઇ અજાણ્યા તસ્કરો ચોરી ફરાર થઇ ગયા હતા.
વાઘોડિયા પોલીસે મકાન માલિક શૈલેષભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવે પ્રાઇમ સિટી સોસાયટી સહિત આસપાસની સોસાયટીમાં ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવને પગલે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.