શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીની શરૂઆત થતાંજ તસ્કરો પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે. શુભ પ્રસંગોમાં ગયેલા પરિવારના મકાનના તાળાં તોડી તસ્કરો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. વડોદરાના આજવા રોડ ઉપર સબિના પાર્કના બંધ મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના રૂપિયા 50 હજાર રોકડ સહિત લાખોના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ ઉપર આવેલ સબિના પાર્કમાં થયેલી ચોરી અંગે પરિવારના સભ્ય વિક્રમ સૈયદે જણાવ્યું હતું કે, અમો પરિવાર ત્રણ દિવસ પહેલાં મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા. આજે સવારે આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં, મારા બનેવીને જાણ કરી હતી. તેથી તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. હાલ પરિવારજનો લગ્ન પ્રસંગમાંથી આવ્યા બાદ કેટલાં રૂપિયાની ચોરી થઇ છે તે ખબર પડશે. તસ્કરો સોના-ચાંદીના દાગીના રૂપિયા 50 હજાર રોકડ સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી ગયા છે.