- રાત્રે ઉપરના માળે ઊંઘી ગયા બાદ સવારે નીચે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા વકીલના ઘરને નિશાન બનાવી ચોરો રોકડ રકમ અને સોનાના ચાંદીના દાગીના સહિત કુલ 6.29 લાખ રૂપિયાની મત્તા ઉઠાવી ગયા હતા.
શિનોર તાલુકાના બરકાલ ગામના મૂળ વતની પરંતુ હાલ માંજલપુર અલવાનાકા વિસ્તારમાં સોમનાથનગર ખાતે રહેતા વિનય ગણેશ ખત્રીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે', હું 22 વર્ષથી વકીલાત સાથે જોડાયેલો છું. તા.25ની રાત્રે હું અને ઘરના સભ્યો નીચેના માળનો દરવાજો બંધ કરીને ઉપરના માળ પર જઇને ઊંઘી ગયા હતા અને બીજા દિવસે સવારે ઉઠીને મેં નીચે આવીને જોયું તો મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો. ઘરમાં બેડરૂમનો સામાન વેરવિખેર અને તિજોરી તૂટેલી જણાઈ હતી ઘરમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ 2.21 લાખ મળી કુલ 6.29 લાખની મત્તા ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઉપરોક્ત ચોરીના બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ચોરોનું પગેરું મેળવવા માટે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લીધી હતી.