કંડારી ગામે કારના વર્કશોપમાંથી દિવાલમાં ફિટ કરેલું લોકર તોડી તસ્કરો રોકડ ચોરી ગયા

રાત્રે 2 વાગ્યે 3 ચોર દીવાલ કુદીને આવ્યા હતા, મેનેજરે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Smugglers-stole-cash-from-a-car-workshop-at-Kandari-village-by-breaking-a-wall-mounted-locker

- ઘટના સમયે હાજર સિક્યોરીટી જવાન તસ્કરો મારી નાખશે તેવા ડરથી તે કેબિનમાંથી બહાર નીકળ્યો ન હતો, બીજા દિવસે લોકર વર્કશોપની પાછળ તુટેલી હાલતમાં મળ્યું

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલા કારના એક વર્કશોપમાંથી દિવાલમાં ફિટ કરેલું લોકર તસ્કરો ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં સિક્યોરીટી જવાન સ્થળ પર હાજર હતો, પરંતુ તસ્કરો મારી નાખશે તેવા ડરથી તે સિક્યોરીટી કેબિનમાંથી બહાર નીકળ્યો ન હતો. આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કરજણ પોલીસ મથકમાં વિવેક મહાદેવ તીવરેકરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કંડારી ગામે આવેલી અમર કાર પ્રાઇવેટ લિમીટેડમાં ત્રણ વર્ષથી વર્કશોપ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમાં કારની સર્વિસ થાય છે. તેમનું કામ કાર સર્વિસ માટેની જવાબદારી અન્યને સોંપવાનું છે. કાર સર્વિસ માટે ચૂકવણીની રકમ કેટલાક કિસ્સામાં રોકડ સ્વરૂપે આપવામાં આવે છે. જેને વર્કશોપમાં કેશ કાઉન્ટર પર રાખેલા લોકરમાં મુકવામાં આવે છે જેને બેંકમાં જમા કરાવવામાં આવે છે. જેમાં શનિ-રવિની રજા હોવાથી સોમવારે રકમ જમા કરાવવામાં આવે છે.

વર્કશોપમાં સિક્યોરીટીનો કોન્ટ્રાક્ટ ઝેડ પ્લસ સિક્યોરીટીને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં 8 ફેબ્રુઆરીના રોજ વર્કશોપમાં રૂપિયા 1.50 લાખની રકમ આવી હતી. જેને લોકરમાં મુકવામાં આવી હતી. બીજા દિવસે સવારે સ્ટાફના માણસનો તેમના પર ફોન આવ્યો અને જણાવ્યું કે, સિક્યોરીટી હેડ દ્વારા તેમને માહિતગાર કરાયા કે, રાતના સમયે લોકર તૂટ્યું છે અને તેમાંથી રકમની ચોરી થઇ છે. જે બાદ તેઓ તુરંત વર્કશોપ પહોંચ્યા હતા અને જોયું તો લોકર તેની જગ્યાએ ન હતું અને કેશ કાઉન્ટર પરનો સામાન વેર-વિખેર પડ્યો હતો.

આ અંગે સિક્યોરીટી જવાનને પુછતા તેણે કહ્યું કે, રાત્રે બે વાગ્યે ત્રણ ચોર દીવાલ કુદીને આવ્યા હતા. તેઓ ચોરી કરીને શટરના ભાગેથી જતા રહ્યા હતા. તેઓ મારી નાંખે તેવી બીક હોવાથી ચોકીદાર સિક્યોરીટી કેબિનમાંથી બહાર નીકળ્યો નહતો. બાદમાં નજીકમાં તપાસ કરતા લોકર વર્કશોપની પાછળ તુટેલી હાલતમાં મળી આવ્યું હતું. જેમાં એક પણ રૂપિયાની રોકડ રકમ ન હતી. આખરે અજાણ્યા શખ્સો સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments