- ઓફિસમાં લગાવેલા સીસીટીવીમાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણ તસ્કરો કેદ થયાં
વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં વન શ્રી બિલ્ડિંગમાં આવેલી આર્કિટેકટની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી. ઓફિસના દરવાજાનું નાખું તોડી અંદર ઘુસેલા તસ્કરો રોકડા 60 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણ તસ્કરો કેદ થયા હતા. આર્કિટ્રેક્ચરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ખારવાવાડ પથ્થર ગેટની સામે ઓમ જય જગદીશ નિવાસ રામચોકમાં રહેતા રીતેષભાઈ જગદીશભાઈ ખારવાએ નવાપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, મારી મહાવીર કોલોની પ્લોટમાં વન શ્રી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મારી આર્કિટેકની ઓફીસ આવેલી છે. ગત 29 જૂન ના રોજ સાંજના પોણા આઠેક વાગ્યે હું મારી ઓફીસ બંધ કરી લોક મારી મારા ઘરે આવ્યો હતો. બીજા દિવસે સવારના આઠેક વાગ્યે મારા ભાડુઆત પ્રિતેષભાઈ ભાલચંદ્ર પંચાલનો મારા ઉપર ફોન આવ્યો હતો તેમણે મને જણાવ્યું હતું કે, સવારના પોણા છે-એક વાગ્યે મારા ઘરે કોઈકે દરવાજો ખખડાવ્યો હતો. જેથી મે લાઈટ ચાલુ કરતા ત્રણ ઇસમો ભાગી ગયા હતા. ત્યારબાદ હું મારી ઓફીસે સવા આઠેક વાગ્યે આવ્યો હતો ત્યારે મારી ઓફીસના મુખ્ય દરવાજાનો નકુચો કોઈ ઇસમે તોડી નાખેલો હતો. જેથી મે મારી ઓફીસમાં તપાસ કરતા મારી બેગ ખુલ્લી અને સામાન વેરણ છેરણ પડેલો હતો. રૂમમાં તપાસ કરતા કબાટમાં ગ્રાહકોના રોકડા રૂ. 40 હજાર તેમજ મારી બેગમાં રૂ.13 હજાર તથા પાકિટમાં મુકેલા રૂ.7500 મળી કુલ રૂ.60 હજાર રૂપિયા ઉપરાંતની મતા ગાયબ હતી. મારી ઓફીસની બહાર લગાવેલ સી.સી.ટી.વી કેમેરો મારા મોબાઈલ ફોનમાં કનેક્ટ હોય જેમાં જોતા ત્રણ ઇસમો વહેલી સવારે વાગ્યે ચાલતા આવતા જણાય છે. તેઓએ મોં પર રૂમાલ બાંધેલા હતા અને કાળા કલરના કપડા પહેરેલ હતા. તસ્કરોએ ઓફીસની બહાર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરો ફેરવી નાખેલ હોય જેથી બાકીની ફુટેજ આવી નથી. નવાપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.