- ઘરના મુખ્ય દરવાજાની જાળીના સળિયાવાળી અજાણ્યા તસ્કરો બેડરૂમની તિજોરીના લોકરમાંથી 7 તોલા સોનાના અને 32 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરી ફરાર
શહેરના ડભોઈ રોડ પર કેલનપુર નજીક આવેલી ક્રિષ્ના સોસાયટીમાં ત્રાટકેલા ચોરો પોતાનાં ગામમાં પિતાને મળવા ગયેલા રહીશના ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના સહિત રૂપિયા 4.52 લાખની મત્તા ઊઠાવી ગયાં હતાં.
વડોદરા શહેરના ડભોઈ રોડ પર કેલનપુર નજીક આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા રજનીકાંત રમણભાઇએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.7 ડિસેમ્બરના રોજ કેવડીયા કોલોની ખાતે રહેતા પિતાને મળવા ગયા હતા. જેની જાણ પાડોશીને પણ કરી હતી. બીજા દિવસે પાડોશીનો તેમના પર ફોન આવ્યો હતો. અને પુછ્યું કે, તમારા ઘરની પાછળની જાળી ખુલ્લી છે, તમે આવી ગયા છો. જેથી મેં કહ્યું કે, અમે આવ્યા નથી. પાડોશીએ વીડિયો કોલ કરીને ઘરના પાછળના ભાગની જાળી બતાવી હતી. જે ખુલ્લી જણાતી હતી. પાડોશીએ ઘરમાં જઇને બતાવતા અંદર બધુ વેરવિખેર હાલતમાં હતું.
ઘરમાં ચોરીની જાણ થતાં મેં ઘરે આવીને જોતા ઘરના મુખ્ય દરવાજાની જાળીના સળિયાવાળી દેવામાં આવ્યા હતા. બેડરૂમમાં આવેલા તિજોરીના લોકરમાં મુકેલી સોનાના દાગીના મળીને 7 તોલાનું આશરે રૂપિયા 4.20 લાખની કિંમતનું સોનું અને રૂપિયા 32 હજારની કિંમતના ચાંદીના દાગીના ગાયબ થયા હોવાનું જાણવાં મળ્યું હતું. કુલ રૂપિયા 4.52 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.