- પોલીસ સીસીટીવી અને લોકલ સર્વેલન્સના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી
હાલ દેશમાં સોનાનો ભાવ સાતમા આસમાને પહોંચી ગયો છે, ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાંથી 39 તોલા સોનાની ચોરી થતાં પોલીસે એક તોલા સોનાનો ભાવ માત્ર 5 હજાર રૂપિયા ગણ્યો છે. જેને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે. મકવાણાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પાસે સોનાના બીલ સહિતના આધાર પુરાવા ન હોવાથી સોનાના જુના ભાવ ગણ્યા છે અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સૈનીપાર્કમાં રહેતા અબુઅહેમદ મહંમદ હસન પઠાણ (ઉ.31) ઈંટોનો ભઠ્ઠો ચલાવે છે અને તેમના માતા-પિતાને સાઉદી અરેબીયામાં મક્કા મદીના ખાતે ઉમરાહ પઢવા માટે જવાનું હતું, જેથી ગત 19 ઓક્ટોબરના રોજ માતા-પિતાને મુંબઇ એરપોર્ટ પર મુકવા માટે પરિવાર સાથે તેઓ ગયા હતા. આ દરમિયાન વડોદરાના ગોરવાના હુસૈનીપાર્ક સ્થિત તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તા. 20 ઓક્ટોબરના રોજ સ્કૂલ વાન ચાલકનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી દીકરી સ્કૂલ આવવાની છે કે નહીં. જેથી અબુઅહેમદ પઠાણે કહ્યું હતું કે, અમે મુંબઈ આવ્યા છીએ. આજે મારી દીકરી સ્કૂલે નહીં આવે, ત્યાર બાદ તેઓએ ઘરમાં લગાવેલા સીસીટીવી જોયા હતાં. જેમાં ઘરનો દરવાજો ખુલ્લો હોય તેવું દેખાતું હતું. જેથી તેઓએ તેમના મિત્રને ફોન કરીને ઘરે જઈ તપાસ કરવા માટે કહ્યું હતું. જેથી તેઓએ જઇને તપાસ કરતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તાળું તૂટેલું હતું. તથા ઘરનો સમાન વેર-વિખેર જોવા મળ્યો હતો.
માતા-પિતાને ફ્લાઈટમાં બેસાડીને તેઓ ઘરે પરત આવ્યા હતા અને ઘરે આવીને તપાસ કરતા સોનાની વીંટી, ચેઇન, બંગડી મળીને 39 તોલા સોનું ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે તેમણે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં 39 તોલા સોનાની કુલ કિંમત માત્ર રૂ. 1.95 લાખ આંકવામાં આવી હતી. જો કે, હાલના સોનાના ભાવ પ્રમાણે સોનાની કિંમત ખૂબ ઓછી આંકવામાં આવી હતી. મકાનમાં લાગેલા CCTVમાં તસ્કરો પણ કેદ થઈ ગયા હતા. જેથી પોલીસ સીસીટીવીના અને લોકલ સર્વેલન્સના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
જાણકારોના જણાવ્યાં અનુસાર, જ્યારે પણ સોના ચાંદીના દાગીનાની ચોરી મોટા પ્રમાણ થતી હોય છે. ત્યારે તે ગંભીર ગુનો બની જતો હોય છે, અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ તપાસમાં જોતરાવું પડે છે. તમણે જણાવી દઇએ કે, જો સોના ચાંદીના ચોરીના દાગીનાની કિંમત રૂ. 2 લાખથી વધુ ગણવામાં આવે તો તે ગંભીર ગુનામાં તબદીલ થઇ જાય છે, અને બે લાખથી ઓછી કિંમત આંકવામાં આવે તો તે સામાન્ય ચોરી તરીકે માનવામાં આવે છે.
પોલીસ ચોપડે નોંધાયેલા સોના-ચાંદીના દાગીનાની કિંમત
1) સોનાની વિંટીઓ નંગ-16, 4 તોલા વજન કિંમત રૂ. 20,000
2) સોનાની ચેઇનો નંગ-3, 9 તોલા વજન કિંમત રૂ. 45,000
3) સોનાની બંગડીઓ નંગ-16, 16 તોલા વજન કિંમત રૂ. 80,000
4) સોનાના નેકલેસ નંગ-2, 4 તોલા વજન કિંમત રૂ. 20,000
5) સોનાનો રાણી હાર નંગ-1, 3 તોલા વજન કિંમત રૂ. 15,000
6) સોનાની કાનમાં પહેરવાના જુમ્મર 1 જોડી, 3 તોલા વજન કિંમત રૂ. 15,000
7) ચાંદીના પગમાં પહેરવાના ઝાઝર 1 જોડી 250 ગ્રામ કિંમત રૂ. 3000 તથા રોકડ મળી કૂલ રૂ. 1,98,000