- તસ્કરોએ ખોડીયાર બજારમાં શ્રીજી જવેલર્સ નામની દુકાનના સીસીટીવી ઉપર બ્લેક સ્પ્રે મારી દોઢ કલાક સુધી દુકાનમાં રોકાઈને તમામ મુદ્દામાલ ચોરી કરી ગયા
- વેપારીનો આક્ષેપ બજારમાં લાગેલા CCTV બે દિવસથી બંધ હાલતમાં છે, સાવલીના પીઆઇએ કહ્યું, બજારમાં સીસીટીવી ચાલુ છે તેના ફૂટેજ મેળવીને તપાસ કરાશે
શિયાળાની વહેલી સવારની હાડ થીજાવતી ઠંડીમાં તસ્કરો પોલીસ તંત્રની ઠંડી ઉડાડી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલી નગરમાં આવેલ જ્વેલર્સની દુકાનના શટરના તાળા તોડી તસ્કરો 10 કિલો ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ દુકાનના સીસીટીવી ઉપર બ્લેક સ્પ્રે મારી દોઢ કલાક સુધી દુકાનમાં રોકાઈને તમામ મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. નગરમાં ચકચાર જગાવી મુકનારા આ બનાવ અંગે વેપારીએ પોલીસ તંત્રના સીસીટીવી બંધ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે સાવલી પી.આઈ.એ સીસીટીવી ચાલુ હોવાનો દાવો કર્યો હતો.
વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગેની વિગત એવી છે કે, વડોદરામાં રહેતા મનોજભાઈ સોનીની સાવલી ખોડીયાર બજારમાં શ્રીજી જવેલર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં વહેલી સવારે 5થી 6 વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના શટરના તાળા તોડીને પ્રવેશેલા તસ્કરો દુકાનમાંથી 10 કિલો ચાંદીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે બનેલી ચોરીની આ ઘટના અંગેની જાણ વડોદરામાં રહેતા દુકાન માલિક મનોજભાઈ સોનીને થતા તેઓ તુરંત જ સાવલી ખાતે પહોંચી ગયા હતા. દુકાનમાં તપાસ કરતા તસ્કરો ચાંદીના નાના-મોટા દાગીના ચોરી ગયા હોવાનું જણાય આવ્યું હતું. દરમિયાન તેઓએ સાવલી પોલીસને જાણ કરતા પી.આઈ. એમ.બી. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ બનાવને પગલે બજારના વેપારીઓ પણ એકઠાં થઈ ગયા હતા.
જ્વેલર્સના માલિક મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે, સવારે 5થી 6ના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનમાં પ્રવેશતાની સાથે જ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરનો સ્પ્રે મારી દીધો હતો. તસ્કરો બુકાનીધારી હોવાનું પણ જાણવા મળ્યું છે. તસ્કરો દુકાનમાંથી 10 કિલો ચાંદીની ચોરી કરી ગયા છે. બજારમાં પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હોવાથી તક્કરો કેટલા હતા તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ પોલીસ તંત્રના સીસીટીવી બંધ હોવા એ ગંભીર બાબત છે.
બજારમાં લગાવવામાં આવેલા CCTV બંધ હાલતમાં આ બનાવ અંગે સાવલી પોલીસ મથકનાના પી.આઈ. એમ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, ખોડીયાર બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં વહેલી સવારે ચોરી થઈ છે અને હાલ તપાસ ચાલી રહી છે. એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. દુકાનમાંથી કેટલાના મુદ્દામાલની ચોરી થઈ છે તે અંગેની તપાસ પણ હાલ ચાલુ છે. બજારમાં સીસીટીવી પણ ચાલુ છે તેના ફૂટેજ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. બે તસ્કરો હોવાનું અત્યારે જણાઈ આવે છે. પોલીસ દ્વારા તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે ખોડીયાર બજારમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીના પગલે સ્થાનિક વેપારીઓએ પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું ન હોવાના કારણે તસ્કરો બેફામ બની ગયા છે. તેમાંય પોલીસ તંત્ર દ્વારા બજારમાં લગાવવામાં આવેલા સીસીટીવી બંધ હોવાથી વેપારીઓની દુકાનોની સુરક્ષા કેવી રીતે થશે તે એક મોટો પ્રશ્ન છે. પોલીસ તંત્ર દ્વારા સાવલી નગરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવતું ન હોવાથી મોટાભાગના કેમેરા બંધ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.