- રહીશોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે માગ, શિનોર પોલીસે તપાસ હાથ ધરી
વડોદરાના શિનોરમાં આવેલી શ્રીજી-1 અને શ્રીજી-2 નંબરની સોસાયટીમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ત્રણ બંધ મકાનના તાળાં તોડી 2.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. સોસાયટીના રહીશોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે માગ કરી છે. રાત્રે થયેલી ચોરીઓના આ બનાવ અંગે શિનોર પોલીસે તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે શિનોરમાં આવેલી શ્રીજી-1 તથા શ્રીજી-2 સોસાયટીમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક પછી એક બંધ મકાનના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના-રોકડ મળી 2.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે મકાન માલિકોને અને સોસાયટીના લોકોને ચોરીના બનાવની જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી તે સાથે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બોડેલી ખાતે નર્મદા નિગમ સરદાર સરોવરમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા રતનભાઈ જેસંગભાઈ તડવીના ઘરમાંથી તસ્કરો રૂપિયા 30 હજાર રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. જ્યારે વતનમાં ગયેલ પ્રદિપભાઈ જગદિશપ્રસાદ શર્માના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં બીજા રૂમમાં મૂકેલ લોખંડની તિજોરીનું લોક તોડી સોનાની ચુડી, સોનાની ચેઈન, સોનાની વીંટી તથા મંગળસુત્ર સહિત રૂપિયા 2.10 લાખની કિંમતનું 6 તોલા તથા રોકડા રૂપિયા 40 હજારની ચોરી કરી હતી. સાથે કુણાલભાઈ જગદિશચંદ્ર ભટ્ટ તેમજ ઉદારામ જવારાજી સુથારના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના, રોકડ રકમ સહિત કુલ 2.80 લાખની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
શિનોર પોલીસે અજાણ્યા ત્રણ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ શિયાળાની ઋતુ શરૂ થતાં તસ્કરો સક્રિય થઈ રહ્યા હોઈ શિનોર નગરની છેવાડાની સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન થાય તેમજ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી રહીશો દ્વારા માગ ઉઠવા પામી છે.