કરજણના મેસરાડ ગામમાં બંધ મકાનના તાળું તોડી તસ્કરો દાગીના સહિત 4.77 લાખની મતા ચોરી ફરાર

દિવાળીની સાફ-સફાઈ કરવા સંબંધીના ઘેર ગયા અને ચોરો રોકડ-દાગીના ઉઠાવી ગયા

MailVadodara.com - Smugglers-broke-the-lock-of-a-closed-house-in-Mesrad-village-of-Karajan-and-stole-4-77-lakhs-including-jewelry

- કરજણ પોલીસે ફરિયાદ આધારે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી

કરજણ તાલુકાના મેસરાડ ગામના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા 4.77 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર સાઢુભાઇના ઘરે દિવાળીની સાફ-સફાઇ કરવા ગયો હતો. બનાવ અંગે કરજણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના કબોલી રોડ પર આવેલા મેસરાડ ગામની નવીનગરીમાં પરિવાર સાથે રહેતા ગીરીશભાઈ કાંતિભાઈ પરમાર પાલેજ ખાતેની ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે કરજ બજાવે છે. તેઓ તા.5ના રોજ ગીરીશભાઇના પત્ની ધર્મિષ્ઠાબેન અને બાળકો પાલેજ ખાતે રહેતા સાઢુભાઇ છત્રસિંહ પરમારના ઘરે દિવાળીની સાફ-સફાઇ માટે ગયા હતા. ગિરીશભાઇ પણ નોકરી પરથી છૂટીને સાઢુભાઇના ઘરે ગયા હતા અને તેઓ રાત્રે ત્યાં જ રોકાઇ ગયા હતા. આ દરમિયાન તેઓના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 4.77 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પાલેજ ગયેલા પરિવારને બીજા દિવસે સવારે તેમના પાડોશીએ ફોન કરીને મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ કરતા પરિવાર દોડી આવ્યું હતું અને ઘરમાં જઈને તપાસ કરતા લોખંડની બંને તિજોરીના પણ તાળાં તૂટેલા જોતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારે વધુ તપાસ કરતાં તસ્કરો તિજોરીમાં મુકેલા રોકડ રૂપિયા 1,50,000 તેમજ સોનાની ઝુમ્મર 6 જોડી, સોનાની વીંટી 7 નંગ, સોનાની ચેઇન 3 નંગ, પાયલ 6 નંગ, 3 નંગ સોનાની બંગડી અને સોનાના 7 પેન્ડલ સહિત અન્ય મુદ્દામાલ ચોરી કરી ગયા હતા,

આ દરમિયાન બનાવ અંગે ગિરીશભાઈ પરમારે કરજણ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. ગિરીશભાઈના ઘરમાં ચોરી થયાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી. ગામના લોકો પણ તેઓના ઘર પાસે દોડી આવ્યા હતા.

કરજણ પોલીસે મકાન માલિક ગિરીશભાઈ પરમારની ફરિયાદના આધારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ તપાસનો દોર શરૂ કર્યો છે. દિપાવલી પર્વ પૂર્વે ચોરીના બનેલા બનાવથી પરિવારની દિવાળીની ખુશી ગમગીનીમાં પરિણમી હતી.

Share :

Leave a Comments