વડોદરામાં સેવાસી ગામના અંબા માતાના મંદિરનું તાળું તોડી તસ્કરો દાન પેટીમાંથી રોકડ ચોરી ગયા

ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાના અનુમાન સાથે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી

MailVadodara.com - Smugglers-broke-the-lock-of-Amba-Mata-temple-in-Sevasi-village-in-Vadodara-and-stole-cash-from-the-donation-box

- અજાણ્યા તસ્કરો દાનપેટીમાંથી આશરે 17 હજાર રૂપિયા ચોરી ગયા

વડોદરા શહેર જિલ્લામાં ઠંડીની શરૂઆતની સાથે જ તસ્કરો આતંક મચાવી રહ્યા છે. જેમાં તસ્કરો મંદિરોને પણ છોડતા નથી. શહેરના સેવાસી ખાતે આવેલ અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીમાંથી રૂપિયા 17 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે શહેરના છેવાડે સેવાસી ગામના વણકર વાસમાં અંબા માતાનું મંદિર આવેલું છે. જે મંદિરની દેખરેખ વણકર વાસમાં રહેતા મહેન્દ્રભાઈ ચાવડા રાખે છે. તા.8 જાન્યુઆરીના રોજ અજાણ્યા તસ્કરોએ અંબા માતાના મંદિરને નિશાન બનાવી મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરની અંદર મુકેલી દાનપેટીમાંથી 17 હજાર રૂપિયા ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ વણકરવાસ સહિત ગામમાં પ્રસરતા ચકચાર મચી ગઇ હતી.

આ બનાવ અંગે મહેન્દ્રભાઈ લાલુભાઈ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફિયાદમાં જણાવ્યું છે કે, સેવાસી ગામના વણકર વાસમાં આવેલ અંબા માતાનું મંદિર આવેલું છે. જે મંદિરનું દેખરેખનું કામ હું સંભાળું છું. તા.8 જાન્યુઆરીના રોજ મંદિરમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર મુકેલ દાનપેટીમાં રહેલા આશરે 17 હજાર જેટલા રૂપિયાની ચોરી કરી ગયા છે.

આ બનાવ અંગે તાલુકા પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું અનુમાન સાથે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ બનતા ગામ લોકો પણ મંદિરે દોડી આવ્યા હતા.

Share :

Leave a Comments