- આરોપી જીગ્નેશ પટેલિયા (ખ્રિસ્તી) સોનાની ચેઈન વેચવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ક્રિશ્ચિયન સમાજના બાળ ઈસુ દેવાલયમાં અજાણી વ્યક્તિ ઘૂસી જઈ ભગવાન ઈસુની મૂર્તિ અને સોનાની ચેનની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને સોનાની ચેઈન જપ્ત કરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ક્રિશ્ચિયન સમાજનું બાળ ઈસુ દેવાલય આવેલું છે. આ બાળ ઈસુ દેવાલયમાં અજાણી વ્યક્તિએ ઘૂસી કાચનો દરવાજો તોડી ગર્ભગૃહમાં ગયો હોવાનું મનાય છે અને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત ઈસુ ભગવાનની મૂર્તિ અને સોનાની ચેનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. દેવાલયમાં ચોરી થઈ અંગેની જાણ સમાજના લોકોને થતા તેઓ દેવાલય ખાતે દોડી ગયા હતા. દેવાલયમાં લોહીના ડાઘા જણાઈ આવતા સમાજના લોકો પણ ચોંકી ઉઠયા હતા. આ દરમિયાન સમાજના અગ્રણીઓએ દેવાલયમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી હતી. બાળ ઈશુ દેવાલયમાંથી થયેલી ઈસુ ભગવાનની મૂર્તિ અને સોનાની ચેનની થયેલી ચોરીની આ સમગ્ર ઘટના દેવાલયમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ જોતા જણાયું હતું કે, ચોરી કરવા માટે ઘૂસેલા વ્યક્તિને ગર્ભગૃહમાં પ્રવેશવા માટે તોડેલા કાચથી ઇજા પહોંચી હતી. જેના લોહીના ડાઘા સીસીટીવીમાં પણ જણાઈ આવ્યા હતા.
સીસીટીવી ફૂટેજ જોતા લાગી રહ્યું હતું કે, દેવાલયમાં ઘૂસેલો વ્યક્તિ જાણભેદુ હોવાનું જણાય આવે છે. લાંબા સમય સુધી તે દેવાલયમાં રોકાયો હતો અને ઈસુ ભગવાનની મૂર્તિ અને સોનાની ચેનની ચોરી કરી હતી. દેવાલયમાંથી થયેલી ચોરીના આ બનાવે ક્રિશ્ચિયન સમાજમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
બનાવ અંગે દેવાલયના વહીવટ કર્તાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ મેળવીને દેવાલયમાંથી મૂર્તિ અને સોનાની ચેઈન ચોરી જનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપી જીગ્નેશ પટેલિયા (ખ્રિસ્તી) ઉં.વ.૩૬ (રહે.વાસુ રેસિડેન્સી, એકતા નગરની સામે, છાણી જકાતનાકા) સોનાની ચેઈન વેચવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આરોપી અગાઉ ગોરવા ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ગયો હતો. તે સમયે તેની નજર બાળ ઇસુના ગળામાં પહેરાવેલી સોનાની ચેન પર પડી હતી. હાલમાં તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે રાતે ચર્ચમાં જઇ પથ્થરથી કાચની પેટી તોડી નાંખી હતી. ત્યાંથી મૂર્તિ ઉઠાવી લીધી હતી. પંડયા બ્રિજ પાસે આવી તેણે મૂર્તિના ગળામાંથી સોનાની ચેન આંચકી લઇ મૂર્તિ ફેંકી દીધી હતી.