- લક્ઝરી બસ કરજણ પાસે હોટલમાં ઉભી હતી તસ્કર સીટ પર મૂકેલું પર્સ ઉઠાંવી ગયો
- વાઘોડિયા ચોકડી ખાતે કાન્હા આંગન રેસિડેન્સીમાં રહેતા ગોદાવરીબેન વાટલીયા સુરત ખાતે પરણાવેલ દીકરીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સુરત ખાતે ગયા હતા
વડોદરા શહેર જિલ્લામાં રોજ બરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરો જાણે બેફામ બન્યા હોય અને પોલીસનો જાણે ડર જ ન હોય તેમ બેખોફ બની ચોરી, લૂંટની ઘટનોને અંજામ આપી રહ્યા છે. ત્યારે દીકરીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપી લક્ઝરી બસમાં વડોદરા ઘરે પરત ફરી રહેલ મહિલા કરજણ નજીક હોટલ પર લક્ઝરી બસ થોભતા બાથરૂમ ગયા હતા. આ દરમિયાન તકનો લાભ લઈ બસની સીટ પર મુકેલ થેલીમાંથી રૂપિયા 1.65 લાખના દાગીના અને રોકડ રકમ મુકેલ પર્સની ઉઠાંતરી કરી તસ્કર ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇ કરજણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી ખાતે કાન્હા આંગન રેસિડેન્સીમાં રહેતા 60 વર્ષીય ગોદાવરીબેન મેઘજીભાઈ વાટલીયા સુરત ખાતે પરણાવેલ દીકરીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સુરત ખાતે ગયા હતા. દીકરીના ઘરે લગ્ન પ્રસંગ પતાવી સુરતથી અમદાવાદ તરફ જતી લક્ઝરીમાં બેસી વડોદરા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કરજણના વલણ ગામ પાસે બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં ખાણી-પીણી માટે લક્ઝરી બસ ઉભી રાખી હતી.
તે દરમિયાન ગોદાવરીબેનને બાથરૂમ જવાનું થતા પોતાની પાસે એક થેલી પોતાની સીટ પર મૂકી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન તકનો લાભ લઈ અજાણ્યો ચોર તેમની થેલીમાં મુકેલ રૂપિયા 1,60,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર અને રોકડ રૂપિયા 5500 મળી કુલ રૂપિયા 1,65,500ની મતા ચોરી તસ્કર ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી.
સમગ્ર ઘટના અંગે ગોદાવરીબેને લક્ઝરીના ડ્રાઇવરને જાણ કરતા તેઓએ પણ આસપાસ તપાસ કરતા ચોર મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે કરજણ પોલીસને જાણ કરતા કરજણ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ગોદાવરીબેનની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.