- પ્રોડક્ટિવિટી રોડ પર કેબલ કંપનીએ ખાડા ખોદયા બાદ પુરવાની તસ્દી ના લીધી
- એક અધિકારી કહે છે સ્માર્ટ રોડ પર ખોદવાની પરવાનગી નથી તો બીજા અધિકારી કહે છે અમે શરતી મંજૂરી આપીએ છે. બંને માં કોણ સાચું ?
વડોદરા મહાનગર પાલિકાના નિષ્ફ્ળ વહીવટીના પાપે સ્માર્ટ રોડ પણ ગણતરીના દિવસોમાં બિસ્માર બની જાય છે. અધિકારીઓના નબળા સુપરવિઝનના બોલતા પુરાવા પ્રોડક્ટિવિટી રોડ પર જોવા મળે છે.ખાનગી કેબલ કંપનીઓ આડેધડ ખોદકામ કરી ખાડા પૂરવાની તસ્દી શુદ્ધા લેતી નથી.
વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવામાં બિનકાર્યક્ષમ અધિકારીઓ સદંતર નિષ્ફળ ગયા છે. હા, કાગળ પર સ્માર્ટ સીટીના ઘોડા દોડાવવામાં અધિકારીઓને ગજબની આવડત છે. તાજેતરમાં રૂપિયા ૨૦ કરોડના ખર્ચે પશ્ચિમ વિસ્તારમાં ત્રણ સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા. જેમાં મેસેનિક હોલ ચાર રસ્તા થી ગાય સર્કલ સુધીના પ્રોડક્ટિવિટી રોડ નો પણ સમાવેશ થાય છે. જો કે સ્માર્ટ રોડ ના નામે આમાં કાંઈ ખાસ વિશેષ નથી. સામાન્ય રોડ પર પેવર બ્લોકના ફુટપાઠ પર થાંભલા મુકી સ્માર્ટ રોડનું નામ આપવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ રોડ પર palikana અધિકારીઓના નબળા સુપરવિઝનના બોલતા પુરાવા પ્રકાશમાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં સ્માર્ટ રોડ પર કોઈ પણ પ્રકારનું ખોદકામ થાય નહીં એવુ અધિકારીઓ જ કહે છે. જો કે ખાનગી કેબલ કંપનીના સંચાલકો પાલિકાના અધિકારીઓને ગાંઠતા નથી. અહીં આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું.
ખોદકામ કરી ખાનગી કેબલ કંપની દ્વારા ખાડાનું પુરાણ પણ કરવામાં આવ્યું નથી. છેલ્લા કેટલાય દિવસથી સ્માર્ટ રોડ બિસ્માર બનવા અંગે અમે પચ્છિમ વિસ્તારના અધિકારી રાજેન્દ્ર વસાવાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કેબલ નાખવા ની શરતી પરવાનગી આપવામાં આવે છે જેમાં ખોદકામ બાદ યથા સ્થિતિ જાળવવા ની જવાબદારી કેબલ કંપની હોય છે. અહીં સવાલ એ છે કે શરતી પરવાનગી અપાઈ તો ખાડા કેમ પુરાયા નથી ? કોન્ટ્રાકટરે પેવર બ્લોક સરખા લગાવ્યા કે નહીં એ ચેક કરવાની જવાબદારી કોની ? શું કેબલ કંપનીના સંચાલકો પાલિકાના અધિકરીઓને ગાંઠતા નથી ? રસ્તે થી પસાર થતાં નરી આંખે લોકો ને દેખાય છે એ અધિકારીઓને કેમ દેખાતું નથી ? અધિકારીઓનું આ નબળું સુપરવિઝન ના કહેવાય ? ખેર આવા સવાલો જયારે અમે સ્થાયી સમિતિના અધ્યક્ષને પૂછ્યા તો તેમણે કહ્યું હતું કે આવી બેદરકારીની તપાસ કરવામાં આવશે.
પ્રજાના કરોડો રૂપિયા નિષ્કાળજીના ભેટ ચઢી જાય તો કોંગ્રેસ સવાલો ઉઠાવે એ સ્વાભાવિક છે. બાળુ સુર્વે નું કહેવું છે કે આ તમામ મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ. પાલિકાના અધિકારીઓને ફૂટપાથ પર પડેલું મસમોટું ગાબડું પણ દેખાતું નથી.પાલિકાના રેઢીયાર તંત્ર ના પાપે સ્માર્ટ રોડ અને સામાન્ય રોડ વચ્ચે નો તફાવત જોવા મળતો નથી.