- પાલિકાનું જનસંપર્ક વિભાગ શોભનમ ડેકોરેટર્સ નો કોન્ટ્રાકટ લંબાવવા સગવડીયા નિર્ણયો લઈ રહ્યું છે..!!
વડોદરા મહાનગર પાલિકાના જનસંપર્ક વિભાગને ફરાસખાના ના કોન્ટ્રાકટર સિવાય ચાલે એમ લાગતું નથી. કોન્ટ્રાકટર પર ઓળધોળ થઈ રહેલા અધિકારીઓએ ફરી એકવાર કોન્ટ્રાકટ લંબાવવાની દરખાસ્ત રજુ કરી છે.
પાલિકાના વહીવટી તંત્રની આવડત સામે હંમેશા સવાલો ઉઠે છે. એનું મુખ્ય કારણ છે સગવડીયા નિર્ણયો. સ્માર્ટ કહેવાતા તંત્ર ના અધિકારીઓ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય ત્યાં સુધી નવા કોન્ટ્રાકટ માટેની પ્રક્રિયા ઈરાદા પૂર્વક કરતાં નથી અને જુના કોન્ટ્રાકટને લંબાવવામાં સફળ રહે છે. આવા સગવડીયા નિર્ણયો અને નિયમો બનાવવામાં જનસંપર્ક વિભાગ સૌથી આગળ છે. ફરાસખાના ના કોન્ટ્રાકટમાં ચાર મહિના પહેલા કોન્ટ્રાકટ પૂરો થઈ ગયો હતો. જો કે ચાર મહિનાથી જનસંપર્ક વિભાગ નિદ્રાધીન રહ્યું. હવે જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ ચુકી છે ત્યારે શોભનમ ડેકોરેટર્સ નો કોન્ટ્રાકટ લંબાવવા અધિકારીઓ દરખાસ્ત લઈને આવ્યા છે. આથી વિશેષ ચાલુ કોન્ટ્રાકટમાં ૧.૫૦ કરોડ ફાળવવાની માંગ થઈ રહી છે. સવાલ એ પણ છે કે ટેન્ડર આવી ગયા છે તો કોન્ટ્રાકટ લંબાવવા ની જરૂર કેમ પડી ? પાલિકાની વેબસાઈટ પર ફરાસખાનાનું ટેન્ડર પણ જોવા મળતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જનસંપર્ક વિભાગની શોભનમ ડેકોરેટર્સ પર મીઠી નજરના આક્ષેપો ભૂતકાળમાં થઈ ચુક્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાયી સમિતિ આ દરખાસ્ત મંજુર કરે છે કે નામંજૂર ?