- નદી કિનારેથી બાઇક અને સ્કૂલ બેગો મળ્યાં, પાંચ કિલોમીટર સુધી શોધખોળ કરાઈ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે બાઇક મૂકી અભ્યાસ કરતા સગીર પ્રેમી પંખીડાએ પડતું મૂકયું હતું. મહી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં લાપતા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો 24 કલાક પછી પણ પત્તો ન લાગતા આજે (11 જાન્યુઆરી) સવારથી NDRFની મદદ લઇ શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાવલી તાલુકાના આજુબાજુના ગામમાં રહેતા અને એકજ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રેમી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ મહિ નદીમાં પડતું મૂકતા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.
મળેલી માહિતી પ્રમાણે, વાંકાનેરમા આવેલી સ્કૂલમાં સગીર ધોરણ 12 અને સગીરા ધોરણ 10માં અભ્યાસ કર છે. બંને સવારે સ્કૂલમાં આવવાને બદલે બાઇક ઉપર કનોડા મહી નદી કિનારે પહોંચી ગયા હતા અને નદી કિનારે બાઇક, સ્કૂલબેગો મૂકી નદીના ધસમસતા પ્રવાહમાં પડતું મૂકી દીધું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઉમટી પડયા હતા. દરમિયાન આ બનાવની જાણ બંનેના પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. જ્યાં તેઓના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.
બીજી બાજુ આ બનાવની જાણ સાવલી પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લઇ શોધખોળ શરૂ કરાવી હતી. મોડી સાંજ સુધી મહી નદીમાં લાપત્તા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની મળી આવ્યા ન હતા. આજે પોલીસે NDRFની પણ મદદ લઇ શોધખોળ શરૂ કરાવી હતી.
આજે સવારે પણ નદી કિનારે બંને વિદ્યાર્થીઓના પરિવારજનો અને ગ્રામ્યજનો પહોંચી ગયા હતા. તે સાથે પોલીસ પણ હાજર રહી હતી. પાંચ કિલોમીટર સુધી શોધખોળ કરવા છતાં લાપતા વિદ્યાર્થીઓનો પત્તો મળ્યો ન હતો.