- સામાન્ય વરસાદમાં ખાડા વચ્ચે રોડ શોધવો પડે એવી પરિસ્થિતિ
વડોદરા થી સિંધરોટ થઈ સૌરાષ્ટ્રને જોડતો ધોરીમાર્ગ સામાન્ય વરસાદમાં તૂટી જાય છે. જવાબદાર અધિકારીઓ જાણે નિંદ્રાધીન હોય એમ રોડ નું સમારકામ થતું નથી જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
દર વર્ષે ચોમાસામાં રોડ તૂટી જવાની તથા ખાડા પડવાની ફરિયાદ કાયમી થઈ ગઈ છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય રોડની ગુણવત્તા ભ્રષ્ટાચાર ની ચાડી ખાય છે. વિકાસના દાવા કરતા નેતાઓને અધિકારીઓ જુઠ્ઠા પાડે છે. વડોદરા થી સૌરાષ્ટ્ર જવુ હોય તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સિવાય સિંધરોટ થી પસાર થતો ધોરીમાર્ગનો ઉપયોગ બીજા વિકલ્પ તરીકે થાય છે. જો કે ચોમાસામાં અહીં હાલત અન્ય માર્ગો જેવી બિસ્માર થઈ જાય છે. સામાન્ય વરસાદમાં આ રોડ ખખડધજ થઈ જાય છે. પાણી ભરાય છે અને પાણીમાં ખાડા દેખાતા નથી. પરિસ્થિતિ એવી થાય છે કે ખાડા વચ્ચે રોડ શોધવો પડે એવી થઈ જાય છે.
રોડ પર મસમોટા ખાડાને કારણે વાહનોને પારાવાર નુકસાન થાય છે. જો કે જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ સામાન્ય વરસાદમાં કેમ તૂટી જાય છે ? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ના થવી જોઈએ ? રોડ ના ઉદ્ઘાટન સમયે ફોટા પડાવતા પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓને કેમ સાપ સુંધી જાય છે ? રોડના સમારકામનો ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલ ના કરવો જોઈએ..? આવા અનેક સવાલો સરકારી તંત્ર માં ચાલતા ભ્રસ્ટાચારની ચાડી ખાય છે.