વડસર વિસ્તારમાં રહેતી મહિલાનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળતા ચકચાર, ટુ-વ્હીલર પણ મળ્યું

મહિલાએ આત્મહત્યા કરી છે કે આકસ્મિક મોત છે? તે દિશામાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી

MailVadodara.com - Shock-as-body-of-woman-living-in-Vadsar-area-found-on-railway-tracks-two-wheeler-also-found

- મહિલા વડસર ખાતે આવેલ વિરામ ફ્લેટમાં બે જોડીયા પુત્રીઓ સાથે રહેતી હતી

વડોદરાના વડસર વિસ્તારમાં રહેતી મહિલાનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મહિલાનો પતિ સાથે વિવાદ થયા બાદ વડસર ખાતે આવેલ વિરામ ફ્લેટમાં બે જોડીયા પુત્રીઓ સાથે રહેતી હતી. આ દરમિયાન પરિણીતાનો ભેદી સંજોગોમાં રેલ્વે ટ્રેક ઉપરથી મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે પરિણીતાનું મૃતદેહના કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ મહિલાએ આત્મહત્યા કરી છે કે આકસ્મિક મોત છે? તે દિશામાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ વિરામ ફ્લેટ-2માં ઉપાસનાબેન નિલેશભાઈ ઠાકોર (ઉંમર વર્ષ 38) તેની બે છ વર્ષની જોડીયા પુત્રીઓ સાથે રહેતી હતી અને ઓનલાઇન બિઝનેસ કરતી હતી. જોકે, ઉપાસના ઠાકોરને તેના પતિ સાથે વિવાદ થતા તેનો પતિ રતલામ ખાતે રહે છે અને BSNL કંપનીમાં નોકરી કરે છે. છેલ્લા 4-5 દિવસથી ઉપાસના ઠાકોર બીમાર હોવાથી તે તેના પિતા વડોદરા નજીકમાં રહેતા હોવાથી તે પિતાનાં ઘરે રહેવા ગઈ હતી. તે બાદ તેને થોડું ઘણું સારું લાગતા તે પિતાના ઘરેથી પોતાના ફ્લેટમાં સાફ-સફાઈ માટે આવી હતી.

આ દરમિયાન માતાએ તેને સાંજે ફોન કરતાં તેની એ હું આવું છું તેમ જણાવી ઘરેથી ટુ-વ્હીલર લઈને નીકળી હતી. તે પિતાના ઘરે જવાને બદલે ટુ-વ્હીલર લઈને વિશ્વામિત્રી રેલવે ટ્રેક પાસે પહોંચી હતી. જ્યાં તે રેલવે ટ્રેક પાસે તેનું ટુ-વ્હીલર પાર્ક કરીને રેલ્વે ટ્રેક પર પહોંચી હતી અને ટ્રેનની ટક્કરે મોત નિપજ્યું હતું. બીજી તરફ મોડી રાત સુધી પુત્રી ઘરે ન આવતા પિતાએ તેના વિરામ ફ્લેટ ખાતે તપાસ કરી હતી. જ્યાં તે ન મળી આવતા પિતા પરત ઘરે ગયા હતા.

તે જ સમયે રેલવે પોલીસ પિતાના ઘરે પહોંચી હતી અને રેલ્વે ટ્રેન પાસેથી મળી આવેલ ટુ-વ્હીલર અંગેની પૂછતાજ કરતા પિતાએ પોતાની પુત્રીનું ટુ વ્હીલર હોવાનું જણાવતા પરણીતાની ઓળખ થઈ હતી. તે બાદ પોલીસે ઉપાસનાનું ટુ-વ્હીલર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે બાદ આત્મહત્યા કે આકસ્મિક બનાવો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments