બીમારીના ખર્ચા અને દીકરીના ભવિષ્યની ચિંતામાં આપઘાત કરવા નીકળેલી મહિલાને શી ટીમે બચાવી

મહિલા જીવન ટૂકાવવાના નિર્ણય સાથે ફાજલપુર મહિસાગર બ્રિજ પર પહોંચી હતી

MailVadodara.com - Shi-team-saved-a-woman-who-was-about-to-commit-suicide-because-of-the-expenses-of-her-illness-and-her-daughters-future

- નંદેસરી પોલીસની શી ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપી

કૂદકેને ભુસકે વધી રહેલી મોંઘવારીમાં ઘર પરિવાર ચલાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઇ રહ્યું છે, અને તેમાંય પતિ વગર દીકરીના ભવિષ્યની ચિંતા તેમજ રોજગારી, બીમારીના ખર્ચાથી નાસીપાસ થઈ ગયેલ મહિલાએ જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કરી શહેર નજીક આવેલ ફાજલપુર ખાતેથી પસાર થતી મહિસાગર નદીમાં બ્રિજ પરથી ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવે તે પહેલાં નંદેસરી પોલીસ મથકની શી ટીમ મહિલાને બચાવી લીધી હતી.


મળતી માહિતી અનુસાર, નંદેસરી પોલીસ મથકની શી ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન ફાજલપુર નેશનલ હાઇવે નં-48 પર મહિસાગર નદીના ઓવર બ્રીજ ઉપર એક બહેન એકલા ઉભા હતા અને તેમની હરકત જોઈ શી ટીમના કર્મચારીને તેમના પર શંકા જતા તે બહેન પાસે જઈ તે બહેનને અહીં બ્રીજ ઉપર એકલા કેમ ઉભા છો? તે બાબતે પુછપરછ કરતા તેઓ એકદમ રડવા લાગ્યા હતા અને મારે હવે જીવવું નથી તેવું જણાવતાં શી ટીમના કર્મચારીઓએ મહિલાને પાણી પીવડાવી આશ્વાસન આપ્યું હતું. અને તેમને શી ટીમની ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઇ આવ્યા હતા.

પોલીસ મથકમાં મહિલાને લાવી શી ટીમે શું સમસ્યા છે અને કેમ તમે આવું અંતિમ પગલું ભરવાના હતા તે બાબતે પૂછતાં મહિલાએ શી ટીમના કર્મચારીને જાણાવ્યું હતું કે, હું મારી 18 વર્ષની દિકરી સાથે રહું છું અને મારા પતિ છેલ્લા છ વર્ષથી ઘર છોડી જતાં રહેલ છે અને મને ડાયાબીટીશની બિમારી છે. ઘરમાં કમાનાર પણ કોઈ નથી અને આ દવાના ખર્ચા હવે મારાથી થાય તેમ નથી. મારી દિકરી આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરે છે, તે પણ હવે ઉંમરલાયક થઈ છે. જેથી હવે મારે શું કરવું એ સમજાતું નથી, એટલે હું અહી મહિસાગર નદીમાં મરવા માટે આવી છું.


જેથી શી ટીમે મહિલાને આ પગલું ભરવાથી તમારી સમસ્યાનું સમાધાન થવાનું નથી, તેમ સમજાવી તેમની દિકરી તેમજ તેમના બહેન-બનેવીને નંદેસરી પોલીસ મથક ખાતે બોલાવ્યા હતા. તેમજ મહિલાનું તેમજ તેમના પરિવારના સભ્યોનું કાઉન્સલીંગ કરી તેમને હિંમત આપી હવે પછી આવું નહી કરવા સમજાવ્યા હતા. ત્યારબાદ શી ટીમે મહિલાને તેમની દિકરી તેમજ બહેન-બનેવી સોંપ્યા હતા.

Share :

Leave a Comments