વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવ - 48 પર અકસ્માતના બનાવો થમવાનુ નામ નથી લઇ રહ્યાં, ત્યારે દેણા ચોકડી નજીક ગત રાત્રે બેફામ ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા ચાલકનુ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મુળ રાજસ્થાન અને હાલ હાલોલ ખાતે રહેતા મંગીલાલ પ્રજાપતિ (ઉ. વર્ષ - 27) ગત રોજ રાત્રીની સમયે રણોલીથી ગોલ્ડન ચોકડી તરફ બાઇક પર જઇ રહ્યાં હતા, ત્યારે વડોદરા પાસેની દેણા ચોકડી નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર મંગીલાલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો તથા ગ્રામજનો ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતા. અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જોકે અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઇ ગયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા બાઇક સવાર મંગીલાલનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવને પગલે હરણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.