- હર્બલ પ્રોડક્ટ મોકલવાના નામે સિનિયર સિટિઝન પાસેથી ટુકડે-ટુકડે 94.93 લાખ પડાવ્યા
આજકાલ કોઈ અજાણી વ્યક્તિ લોભામણી લાલચ આપે તો લોકો ન કરવાના કામ કરતા હોય છે અને બાદમાં જ્યારે ભાન પડે કે છેતરપિંડી થઇ છે ત્યારે પોલીસ સ્ટેશન અથવા ક્રાઈમ બ્રાંન્ચના દરવાજા ખખડાવે છે. હાલ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. કોઈ અજાણી વ્યક્તિ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તો જાણ્યા-જોયા વગર વાત કરવા લાગે છે અને છેલ્લે સાયબર ક્રાઈમનો ભોગ બને છે. એવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરાના સિનિયર સિટિઝનને એક મહિલાની ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને મહિલા સાથે મિત્રતા થઈ. આ મહિલા જે કંપનીમાં કામ કરે છે એ કંપનીને ઇન્ડિયામાંથી એક પ્રોડક્ટનાં 100 પેકેટ જોઇએ છે અને એમાંથી સારો પ્રોફિટ થશે એમ કહીને સિનિયર સિટિઝનને RBIના નામે મેઇલ અને કોલ કર્યા અને ટુકડે-ટુકડે 94.93 લાખ રૂપિયા પડાવી લીધા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અલકાપુરીમાં રહેતા સિનિયર સિટિઝને પોલીસને કહ્યું છે કે, ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન ફેસબુક પર સ્ટિફ મ્હિઝે નામની મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મને વોટ્સએપ નંબર મોકલી વાતચીત શરૂ કરી હતી. જે દરમિયાન તેણે મને તેની બાયોજેનિક ફાર્મા કંપની ઇન્ડિયામાંથી હર્બલ પ્રોડક્ટ મંગાવવા માંગતી હોવાની જાણ કરી હતી.
મહિલાના નામે વાત કરનાર ઠગે કહ્યું હતું કે, ઇન્ડિયામાં ડો.વિરેન્દ્ર નામનો ડિસ્ટ્રિબ્યુટર છે. તેની પાસે OFIHO નામનું હર્બલ પ્રોડક્ટ મેળવીને સપ્લાય કરવાનું રહેશે. આ પ્રોડક્ટ વજન, ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. ૧0૦ ગ્રામ પેકેટની કિંમત રૂ.૧ લાખ છે. પરંતુ અમારી કંપની રૂા.૨ લાખમાં ખરીદશે અને પ્રોફિટ આપણે શેર કરી લઇશું. ઠગે કંપનીના નામે મેલ પણ મોકલ્યો હતો અને સેમ્પલ મોકલી ૧૦૦ પેકેટનો ઓર્ડર આપ્યો હતો.
વડોદરાના સિનિયર સિટિઝને ઓર્ડર આપ્યો હતો. ઠગ કંપની બધે મળેલી હતી. ડો.વિરેન્દ્રએ ૨૬ પેકેટ જ મોકલ્યા હતા અને બાકીના ૪૬ પેકેટ એરપોર્ટ પર બ્લોક થઇ ગયા છે. જેવી વાતો કરી વારંવાર રૂપિયા પડાવ્યા હતા. સિનિયર સિટિઝને પેમેન્ટ માંગ્યું ત્યારે આરબીઆઇમાં પેમેન્ટની મંજૂરી માંગી છે તેમ કહી ફરી રૂપિયા ભરાવ્યા હતા. તેમણે કુલ રૂા.૯૪.૯૩ લાખ ભર્યા બાદ ઠગાયા હોવાની જાણ થતાં સાયબર સેલને જાણ કરી હતી.