- સામાજિક સંસ્થાઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા ડ્રગ્સ વેચનાર અને લેનારા લોકોને વિવિધ ઉદાહરણો આપી સાચા માર્ગે લાવવા માટે સલાહ-સુચન કર્યું હતું
મિશન ક્લીન અને નશામુકત વડોદરાના બેનર હેઠળ SOG પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ડ્રગ્સ સહિતના ધંધામાં સંકળાયેલા આરોપીઓના કાઉન્સિલિંગ અને સાચી દિશા બતાવવા જોઈન્ટ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા ડ્રગ્સનો વેપાર કરનાર 146 લોકોએ ડ્રગ્સનો વેપાર છોડી દવાનો નિર્ણય કર્યો હતો.
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે શહેર પોલીસે કમરકસી છે અને નશાના બંધાણીઓ તેમજ ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે પોલીસ તંત્ર દ્વારા માનવ અભિગમ પણ અપનાવવામાં આવી રહ્યો છે. આજે વડોદરા શહેર SOG પોલીસ દ્વારા ડ્રગ્સનો વેપાર કરનારાઓ અને ડ્રગ્સના બંધાણીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે આયોજિત સેમિનારમાં ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવાનું કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે શહેર પોલીસતંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપર હાજર રહ્યા હતા. સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા સેમિનારમાં ઉપસ્થિત ડ્રગ્સ વેચનાર લોકો તેમજ ડ્રગ્સના રવાડે ચઢેલા લોકોને વિવિધ ઉદાહરણો આપીને સાચા માર્ગે લાવવા માટે સલાહ-સુચન કર્યું હતું. આ સેમિનારમાં જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા, SOG પી.આઇ. વિવેક પટેલ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સેમિનારમાં હાજર રહેલા ડ્રગ્સના ગુનાના 146 જેટલા આરોપીઓને તેમજ ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સનો ધંધો છોડવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના ધંધાથી કેટલા પરિવારો વેરવિખેર થાય છે. તેમાં પણ યુવાધન ડ્રગ્સના રવાડે ચડે ત્યારે પરિવારને શું પરિસ્થિતિ થાય છે. તે અંગેનો ચિતાર આપ્યો હતો અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ અને એનજીઓને મદદ કરવા આહવાન કર્યું હતું.
આ સેમિનારમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાને ખાતરી આપી હતી કે, તેઓ ડ્રગ્સના ધંધાથી દૂર રહેશે અને પોતાના પરિવારની સાથે ધંધા-રોજગાર કરી બાકીનું જીવન વ્યતીત કરશે. ડ્રગ્સના રવાડે કેવી રીતે ચડ્યા અને બાદમાં કેવી રીતે ડ્રગ્સના ધંધામાં વળ્યા તેનાથી કેટલું નુકસાન થયું તે અંગે આરોપીઓએ પોતાના મંતવ્ય પણ રજૂ કર્યા હતા.