- સિક્યોરિટી ગાર્ડને ઠપકો આપવા ગયેલા માતા-પિતા સાથે ઝઘડો કર્યો
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષના સિક્યોરિટી ગાર્ડે ભાઇ સાથે ઘર આંગણે રમી રહેલી 7 વર્ષની બાળકીને શારીરિક અડપલા કર્યાં હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બાળકીના માતા-પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી કોલોનીમાં 7 વર્ષની બાળકી માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. બાળકીના માતા-પિતા નોકરી ઉપર ગયા હોવાથી 7 વર્ષની બાળકી અને તેનો ભાઇ ઘર આંગણે રમી રહ્યા હતા. આ સમયે નજીકમાં જ રહેતો સિક્યોરિટી ગાર્ડ મુકેશ રાઠવા ત્યાં આવી ચઢ્યો હતો અને 7 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. જેથી બાળકી ગભરાઇ ગઈ હતી. સાંજે માતા-પિતા આવતા બાળકીને સમગ્ર વાત જણાવી હતી. બાળકી સાથે શારીરિક છેડછાડ થતાં માતા-પિતા સિક્યોરિટી ગાર્ડ મુકેશ રાઠવાને ઠપકો આપવા માટે ગયા હતા. જેથી મુકેશ રાઠવાએ બાળકીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. જેથી બાળકીના માતા-પિતા મકરપુરા પોલીસ સ્ટેશન ગયા હતા અને સિક્યોરિટી ગાર્ડ મુકેશ રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, સિક્યોરિટી ગાર્ડે બાળકી સાથે અડપલા કરતા પોક્સોનો ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.