- ત્રણેય સ્કલ્પચરના રીસ્ટોરેશન બાદ તેની આવરદા 25 વર્ષ સુધીની રહેશે અને 3 વર્ષ સુધી કોઇપણ ચાર્જ વગર રેગ્યુલર મોનિટરીંગ કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે રીસ્ટોરેશન કરવામાં આવશે. જે માટે ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટસ, સેન્ટર ફોર ધી આર્ટ્સ, (કોન્ઝર્વેશન વિભાગ) તેમજ મીનીસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકાર દ્વારા કુલ ત્રણ સ્કલ્પચરનાં રીસ્ટોરેશન માટે રૂપિયા 29,55,000નો ખર્ચ થવાનો અંદાજ આપવામાં આવેલ છે. જોકે પાણી, વીજળી જેવી સુવિધા કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવશે. આ ત્રણેય સ્કલ્પચરનાં રીસ્ટોરેશન કર્યા બાદ આવરદા 25 વર્ષ સુધીની રહેશે. આ રીસ્ટોરેશન બાદ 3 વર્ષ સુધી કોઇ પણ ચાર્જ વગર આ સેન્ટર રેગ્યુલર મોનિટરીંગ કરશે. સ્કલ્પચર બ્રોન્ઝ મેટલના હોઇ રેગ્યુલર ક્લિનીંગ જરૂરી રહેશે, જેથી તેમની કાર્યપદ્ધતિ મુજબ ક્લિનિંગ કઈ રીતે કરવું તેની સ્ટાફને તાલીમ આપવામાં આવશે.
સયાજીબાગ મ્યુઝિયમ પ્લોટ ખાતે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ, કાલાઘોડા સર્કલ ખાતે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા જેલ રોડ ખાતે ફતેહસિંહ રાવ ગાયકવાડના સ્કલ્પચરના રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવનાર છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ ત્રણ માસમાં કામગીરી પુર્ણ કરવામાં આવશે, આજરોજ મળનાર આ દરખાસ્તને સ્થાયી સમિતી મંજુર કરવા અંગે નિર્ણય લેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વડોદરામાં મહાન વિભૂતિઓની જે પ્રતિમા મૂકવામાં આવેલી છે તેની બરાબર કાળજી નહીં લેવાતા પ્રતિમાઓની હાલત ખરાબ બની છે, અને તે માટે અવારનવાર વિવાદ થતા રહ્યા છે. ગાંધી નગરગૃહ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાની હાલત પણ બદતર બની ચુકી છે, પ્રતિમા ઉપરથી રંગ અને પોપડા ઉખડી ગયા છે.