વડોદરામાં વહેલી સવારથી છૂટાછવાયા વરસાદી ઝાંપટા, કિર્તીસ્તંભ પાસે વિદ્યાર્થી પર ઝાડ પડ્યું

દરિયાકાંઠા તરફ આગળ ધપી રહેલા બિપોરજોય ચક્રવાતની અસર વડોદરામાં પણ શરૂ

MailVadodara.com - Scattered-rain-showers-in-Vadodara-since-early-morning-tree-falls-on-student-near-Kirtistambh

- આસપાસના લોકોએ ઝાડ નીચે દબાગેલા ડભોઇના વિદ્યાર્થીને બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો


ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહેલા બિપોરજોય ચક્રવાતની અસર વડોદરામાં પણ શરૂ થઇ ગઇ છે. આજે સવારથી વડોદરાના કેટલાંક તાલુકાઓમાં પવનના સુસવાટા સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાંપટા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ભારે પવનના કારણે કિર્તીસ્તંભ બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેલા વિદ્યાર્થી ઉપર ઝાડ પડતાં પગમાં ઇજા પહોંચી હતી, જેના પગલે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવવા સાથે પવન ફૂંકાતા ડભોઇના વિદ્યાર્થી ઉપર ઝાડ પડતાં તે ઇજાગ્રસ્ત થયો હતો. ડભોઇના નરીયા ગામે રહેતો રસીદ વિનોદભાઇ પટેલ (ઉં.વ.23) આજે સવારે કિર્તીસ્તંભ વિસ્તારમાં ટેલીના ક્લાસ કરવા મિત્રો સાથે ડભોઇથી બસમાં બેસી કિર્તીસ્તંભ ખાતે આવ્યો હતો અને બસમાંથી ઉતરી વિદ્યાર્થી રસીદ પટેલ મિત્રો સાથે બસ સ્ટેન્ડ પાસેના ઝાડ નીચે ઉભો રહી વાતો કરતો હતો. આ દરમિયાન અચાનક તીવ્ર ગતિએ પવન ફૂંકાતા લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ જતા રસીદ પટેલ ઝાડ નીચે દબાઈ ગયો હતો, જેમાં તેને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઝાડ ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઝાડ નીચે દબાઈ ગયેલા રસીદ પટેલને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બિપોરજોય ચક્રવાતની તો હજુ સામાન્ય અસર શરૂ થઇ છે. 


બિપોરજોય ચક્રવાતની અસરના કારણે શહેરના વાતાવરણમાં આજે સવારથી પલટો આવ્યો હતો. શહેરમાં વરસાદી વાદળોની સત્તત અવરજવર રહી હતી. આ સાથે જ સુસવાટા મારતો પવન પણ સતત ચાલુ રહ્યો હતો. જુદા-જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાનો દોર પણ ચાલુ રહ્યો હતો. સુસવાટા મારતો પવન અને વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે શહેરીજનોએ અસહ્ય ઉકળાટનો પણ રામનો કરવાની ફરજ પડી હતી. બિપોરજોય ચક્રવાતને લઇ નગરજનોમાં ભારે દહેશત જોવા મળી હતી. 


શહેરમાં સમયાંતરે પવનના સુસવાટા સાથે પડી રહેલા વરસાદી ઝાપટા અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે શહેરીજનોને વરસાદી પોશાકો સાથે રાખીને નીકળવાની ફરજ પડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાંપટાનો દોર ચાલુ રહેતા સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી હતી. આગામી બે દિવસ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓને લઇ શહેરના લોકો પણ એલર્ટ થઇ ગયા છે. વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ પવનના સુસવાટા સાથે છૂટાછવાયા વરસાદી ઝાંપટા ચાલુ રહ્યા હતા.

Share :

Leave a Comments