- અભયમની ટીમ પહોંચે તે પહેલાં જ યુવક સ્થળ પર રવાના થઇ ગયો હતો
- ભવિષ્યમાં યુવતી પર હુમલો કરે તેવી શક્યતાને પગલે યુવક સામે પોલીસ ફરિયાદ
સામાન્ય પરિચયમાં ઘનિષ્ઠ મિત્રતા થયા બાદ યુવાન અલગ જ્ઞાતિનો હોવાની જાણ થતાં યુવતીએ મિત્રતા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જોકે, યુવાન મિત્રતા ભૂલવા તૈયાર ન હતો અને કોલ-મેસેજ કરીને હેરાન કરતો હતો. સોમવારે યુવાને હુમલો કરવાના ઇરાદે યુવતીનો પીછો કરતાં ગભરાઇ ગયેલી યુવતીએ અભયમની મદદ લીધી હતી.
મળેલી માહિતી પ્રમાણે, શહેરના વારસીયા વિસ્તારમાં રહેતી યુવતીને યુવક સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે થયેલો સામાન્ય પરિચય ઘનિષ્ઠ મિત્રતામાં પરિણમ્યો હતો. સમય જતાં યુવતીને ખબર પડી કે, યુવક અન્ય જ્ઞાતિનો છે, જેથી યુવક સાથે સંબંધ વધારી શકાય તેમ નથી. આથી યુવતીએ મિત્ર યુવક સાથેના ગાઢ મિત્રતાના સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
યુવતીએ મળવાનું અને ફોન રિસીવ કરવાનું બંધ કરતાં, ધુઆપુઆ થયેલા યુવકે કોલ-મેસેજ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. યુવકે મેસેજ કરવામાં હદ વટાવી દીધી હતી અને યુવતી સહન કરી રહી હતી. પરંતુ, સોમવારે યુવકે હુમલો કરવાના ઇરાદે પીછો કરતા ગભરાઇ ગયેલી યુવતીએ અભયમની મદદ લેવાની ફરજ પડી હતી.
ગભરાઇ ગયેલી યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે, તેનું પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયેલ છે. તો પણ કોલ અને મેસેજ કરી હેરાન કરે છે. આજે હું બહાર નીકળી તો હુમલો કરવાના ઇરાદે મારો પીછો કરી રહ્યો છે, મદદ કરો. જેથી બચાવ માટે બાપોદ પોલીસ સ્ટેશનની અભયમ ટીમ તુરંતજ યુવતીએ આપેલા સરનામા ઉપર પહોંચી ગઇ હતી. જોકે યુવક અભયમ ટીમ આવે તે પહેલાં સ્થળ ઉપરથી રવાના થઇ ગયો હતો. આગામી દિવસોમાં યુવક ગમે ત્યારે યુવતી ઉપર હુમલો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ ન હોવાથી અભયમે નજીકના પોલીસ સ્ટેશનમાં યુવકને શોધી કાર્યવાહી કરવા માટે જાણ કરી છે.
અભયમ ટીમે જણાવ્યું હતું કે, યુવક-યુવતીઓ એકબીજાની વધુ જાણકારી વગર ફ્રેંડશિપથી જોડાય છે. ત્યારબાદ પરિચય વધતા આગળ સંબંધ રાખવો હિતાવહ લાગતો નથી, જેથી બ્રેકઅપ કરી લેતાં હોય છે. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં આ યુવતી જેવી સ્થિતી સર્જાતી હોય છે.