- રેલવે પોલીસના અધિકારીઓની ટીમ મેગ્નેટ લઇ મકરપુરા પોલીસ ખાતે પહોંચી હતી
- પ્રતાપનગર રેલવે તંત્રએ મંજૂર કરેલા લોખંડ ભંગાર ભરવાના ટેન્ડરની આડમાં ઇજારદારે રેલવેના કેટલાક અધિકારીઓ સાથેની મીલીભગતથી સ્ટીલ પણ વગે કર્યાનું કૌભાંડ!!
મકરપુરા પોલીસ દ્વારા થોડા સમય પહેલાં જ બાતમીના આધારે લોખંડનું સ્ક્રેપ ભરેલા બે શંકાસ્પદ ટ્રક પકડી પાડ્યાં હતા. મકરપુરા પોલીસને મળેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, આ બંને ટ્રકમાં રેલવેના લોખંડના સ્ક્રેપની આડમાં સ્ટીલ પણ વગે કરવામાં આવી રહ્યું છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને રેલવે પોલીસ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બંને ટ્રકમાં ભરેલો શંકાસ્પદ ભંગાર ખાલી કરાવી મેગ્નેટ (ચુંબક)થી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
રેલવેમાં ચાલતા એક પછી એક મોટા કૌભાંડ પરથી પડદા ઉઠી રહ્યા છે. પહેલા ભરતી કૌભાંડ અને હવે સ્ક્રેપ કૌભાંડ સામે આવ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રતાપનગર સ્થિત રેલવે તંત્રએ મંજૂર કરેલા માત્ર લોખંડ ભંગાર ભરી જવાના ટેન્ડરની આડમાં ઇજારદારે રેલવેના કેટલાક અધિકારીઓ સાથેની મીલીભગતથી સ્ટીલ પણ વગે કરાયાનું કૌભાંડ મકરપુરા પોલીસના ધ્યાન ઉપર આવ્યું છે. શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આવતા જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવેમાં તાજેતરમાં જ ભરતી કૌભાંડ ઝડપાયું છે. તેવા સમયે પ્રતાપનગર રેલવે તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતથી લોખંડની આડમાં સ્ટીલ વગે કરવાના કાવતરામાં આવનારા દિવસોમાં ચોંકાવનારી હકિકત ટુંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.
આ કૌભાંડને લઇને મકરપુરા પોલીસને એક લેખિત ફરિયાદ મળી હતી. જેમાં જણાવ્યું હતું કે, પ્રતાપનગર રેલવે તંત્રએ થોડાક વખત પહેલાં લોખંડ સ્ક્રેપ અંગે ઇજારદારને ટેન્ડર આપ્યું હતું. માત્ર લોખંડનું જ ટેન્ડર મંજુર કરાયું હોવા છતાં રેલવેના ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓની મીલીભગતથી ઇજારદાર લોખંડ કરતા ડબલ કિંમતના સ્ટીલ પણ વગે કરે છે. મકરપુરા પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક કબજે કરી હતી. આ અંગે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પ્રતાપ નગર રેલવેના ઉચ્ચ અધિકારી પાસે વિગતવારનો રિપોર્ટ માંગ્યો હતો. જેથી શુક્રવારે રેલવે પોલીસના અધિકારીઓ તેમજ વિજીલન્સ અને રેલવેના કર્મચારીઓ મેગ્નેટ (ચુંબક) લઇ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતા.
જ્યાં અટકાયત કરાયેલા બન્ને ટ્રકમાંથી સ્ક્રેપનો શંકાસ્પદ સામાન ખાલી કરાવી મેગ્નેટ (ચુંબક) દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ચુંબકના આધારે લોખંડ અને સ્ટેઈલનેસ સ્ટીલને અલગ તારવવામાં સરળતા રહે છે. જોકે ટુંક સમયમાં રેલવે પોલીસની તપાસ પૂર્ણ થાય અને તેઓ આવતીકાલ સુધીમાં મકરપુરા પોલીસને રિપોર્ટ રજુ કરશે તેવી શક્યતા છે.
સુત્રોએ ઉમેર્યું કે, આ મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી. મકરપુરા પોલીસે આ મામલે સ્ટેશન ડાયરી નોંધ કરીને વધું કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતવારની માહિતી માંગવામાં આવી છે.