સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી, આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

શોર્ટ સર્કિટને કારણે AC બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

MailVadodara.com - Sayaji-Hospital-ENT-department-catches-fire-smoke-billows-from-entire-room-burning-wiring

- ધુમાડાને કારણે ફાયરના જવાનોને પણ મુશ્કેલી પડી, દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા


વડોદરાની સયાજી હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઇએનટી વિભાગમાં લગાવેલા ACમાં આ આગ લાગી હતી. જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શોર્ટ સર્કિટને કારણે AC બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિકરાળ આગ લાગી હતી. બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો. આ આગ રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.


મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો. આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. ફાયર એન્ડ ઇમર્જન્સીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધી હતો.


આ સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ સાથે પોલીસ પણ દોડી આવી હતી. ઇએનટી વિભાગના ACમાં ધડાકાભેર આગ લાગી હતી. જે આસપાસના વાયરિંગમાં પ્રસરી હતી અને આખા રૂમને બાનમાં લેતા ઘુમાડો ફેલાયો હતો. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય શકે. હાલમાં આ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ આગ જો રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. ત્યારે સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સમયસર તમામ ઇલેક્ટ્રિક સાધનો રિપેર છે કે નહીં તેનું ચેકિંગ કરવું પણ જરૂરી છે.


આ આગની ઘટનામાં MGVCLના સ્ટાફની પણ મદદ લેવાઈ હતી. બાદમાં કામગીરી બાદ તેઓ પરત ફરતા સયાજી હોસ્પિટલના ગેટની બહાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પરંતુ એક વ્યક્તિ સામાન્ય ઇજાગ્રસ્ત થયો હતો. આગ બાદ અકસ્માત થતા ત્યાં પણ પોલીસ દોડી આવી હતી.

સયાજી હોસ્પિટલ આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યુ હતું કે, વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો. જેમાં અમારે ત્યાં ફાયરના સાધનો લગાવેલા છે. આગ લાગે તે પહેલાં જ કામગીરી કરી દેવામાં આવી છે. સવારનો બનાવ હોવાથી કોઈ દર્દીઓ હાજર ન હતા કે મેડિકલ સ્ટાફ પણ હાજર ન હતો. આ અંગે અમે તપાસ કરીશું.


આ અંગે ફાયર વિભાગને કોલ આપનાર નિશાબેને જણાવ્યુ હતું કે, મારે નાઈટ શિફ્ટ હોય છે અને હું અન્ય વોર્ડમાં છું. સ્ટાફે મને જણાવતા ફાયરને કોલ આપ્યો હતો. સવારનો સમય હોવાથી કોઈ દર્દી નહોતા. સવારે આઠ વાગ્યા બાદ ઓપીડી શરૂ થતી હોય છે જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

Share :

Leave a Comments